ઉનાળાના પ્રારંભની સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. જે સ્વાદ રસિકો માટે સારા સમાચાર સમાન કેરીનું આગમન ગરમીના પ્રારંભની સાથે જ થઈ જતું હોય છે. ત્યારે જામનગરની બજારમાં પણ ધીમે ડગલે કેરીનું આગમન થયું છે અને કેરી રસીકો કેરીની મોજ પણ માણી રહ્યા છે. જોકે હજુ બજારના કેસર કેરીની જોઈએ તેવી આવક જોવા મળતી નથી. પરંતુ ધીમેં ધીમે આગમન થઈ રહ્યું છે.
આયુર્વેદ સંસ્થાન ITRA ના દ્રવ્યગુણ વિભાગના પ્રોફેસર ભુપેસ પટેલે જણાવ્યું કે તુરી વધારે હોય અને ખાટો ઓછો હોય તેવી કેરી કચુંબર અને અથાણાં તરીકે ઉપયોગી કરી શકીએ છે. વધુમાં ખૂબ ખાટી કેરી ક્યારે ન ખાવી જોઈએ કારણ કે અથાણામાં ઉપયોગમાં લેવાતી આ ખૂબ ખાટી કેરી લોહીના વિકાર ઉપરાંત મોઢામાં ખીલ સહિતની અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આથી તેનો પ્રકૃતિ અનુસાર ઉપયોગ કરવો જોઈએ.
વાત કરીએ પાકી કેરીની તો જ્યારે ઉનાળો બેસે ત્યારબાદ એક મહિના સુધી ખૂબ તડકો પડે ત્યારે આ કેરી પાકતી હોય છે આ પ્રાકૃતિક રીતે પાકેલી કેરી ખાવા માટે ફાયદાકારક હોય છે. સીઝનની પહેલા એટલે કે પ્રોસેસ કરી અને કેરી પકાવવામાં આવે છે તથા સીઝનની પછી પણ તેનો સંગ્રહ કરી શકાય તે માટેની પણ કેરીમાં પ્રોસેસ કરી શકે છે. આવી કેરી ક્યારેય ખાવી જોઈએ નહીં જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. પાકી કેરી પણ જે ખાટી હોય તે ન ખાવી જોઈએ કારણ કે તે રક્ત અને પિત્તને વધારે છે. જ્યારે મીઠી અને મધુર અને પ્રાકૃતિક રીતે પાકેલી કેરી જ હંમેશા આહારમાં લેવી જોઈએ.
કેરીના રસ અંગે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું કે કેરીનો રસ કાઢી લીધા બાદ તેમને તાત્કાલિક આહારમાં ઉપયોગ લેવો જોઈએ. કારણ કે જો તેને સંગ્રહ કરવામાં આવે તો થોડા સમય પછી તેમાં અમુક વિકારો ભળે છે. જેને લઈને તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.
હાલ જામનગરની દરબારગઢ વિસ્તારમાં આવેલ માર્કેટ ઉપરાંત લાલપુર બાયપાસ તેમજ પટેલ કોલોની, સાત રસ્તા સર્કલ, જકાતનાકા રોડ સહિતના સ્થળોએ કેરીનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં હાપુશ કેરી જે 100 રૂપિયાથી 120 રૂપિયા કિલોએ વહેંચાઈ રહી છે. તો કેસર કેરી જે આવક પૂરતા પ્રમાણમાં ન હોવાથી મોંઘી છે. એટલે કે આ કેરી 150 રૂપિયાથી લઈ 170 રૂપિયાના ભાવે વેચાય છે.