જામજોધપુરની એક ખેડૂત મહિલાની રૂપિયા ૧૧ લાખ ની રકમ પચાવી પાડવા અંગે નિવૃત્ત તલાટી કમ મંત્રી સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી છે.જામનગર જિલ્લાના જામજોધપુર મા રહેતી એને ખેતી કામ કરતી અંજનાબેન નટુભાઈ ખાંટ નામની ૪૫ વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ પોતાની રૂપિયા ૧૧ લાખની રોકડ રકમ પચાવી પાડી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામજોધપુરમાં રહેતા નિવૃત્ત તલાટી કમ મંત્રી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ ફરિયાદી મહિલાને ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા માટેનો ભરોસો અને વિશ્વાસ કેળવ્યો હતો, અને કટે કટકે ૧૧ લાખ રૂપિયા મેળવી લીધા પછી તે જમીન ફરિયાદ મહિલાના નામે કરવાના બદલે પોતાના પુત્ર અને જમાઈ ના નામે કરી હતી, અને છેતરપિંડી આચરી હતી.
જે અંગેની જાણકારી મળતાં ફરિયાદી મહિલા અંજના બેને આરોપી ચીમનભાઈ ખાંટ પાસે પૈસાની માંગણી કરતાં સિક્યુરિટી પેટે સોનાના દાગીના આપ્યા હતા, જેની ખરાઈ કરાવતાં તે દાગીના પણ ખોટા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેની પાસે ફરીથી પૈસાની માંગણી કરતાં ધાકધમકી ઉચ્ચારી હોવાથી મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પૂર્વ તલાટી કમ મંત્રી સામે ફરિયાદ નોંધાવાઈ છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૫૦૪,૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદને લઈને જામજોધપુર પંથકમાં ચકચાર જાગી છે