- જામનગરમાં ગુરૂવારે વડાપ્રધાનની જાહેર સભા યોજવાની છે
- સભા સ્થળ ઉપરાંત માર્ગ પર ચકલું પણ ન ફરકી શકે તેવો લોખંડી બંદોબસ્ત
જામનગર: હાલારભરમાં લોકસભા ચૂંટણીનો બરોબરનો માહોલ જામી રહ્યો છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 2 મેના રોજ જામનગરના મહેમાન બની રહ્યા છે અને તેઓ પ્રદર્શન ગ્રાઉન્ડના આંગણે જંગી જનસભા સંબોધશે. જેને લઇને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
એક બાજુ રાજપૂત સમાજનો આકરો વિરોધ અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં મુલાકાતને લઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સભા સ્થળ ઉપરાંત માર્ગ પર ચકલું પણ ન ફરકી શકે તે અંગેની લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ માટે જામનગરમાં એસપી, ડીવાયએસપી સહિત 2 હજારથી પણ વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
રૂપાલાના વિવાદિત નિવેદને લઇ જામનગર ઉપરાંત જામજોધપુર,ધ્રોલ, કાલાવડ સહિતના પંથકમાં ભાજપના ઉમેદવારનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આથી જામનગર પોલીસ એલર્ટ બની છે. આવી સ્થિતિ વચ્ચે પૂનમબેન માડમના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના મહેમાન બની રહ્યા છે. તા. 2 ને ગુરુવારે સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ જનસભા સંબોધશે. ત્યારે પોલીસ સહે જ પણ બેદરકારી દાખવાવ માંગતી નથી.
આથી જામનગરમાં વડાપ્રધાનના આગમન વેળાએ રોડ પર 1213 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ફરજ સોંપાઈ છે. જેમાં 5 એસપી, 9 ડીવાયએસપી, 22 પીઆઇ અને 74 પીએસઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાસ સ્થળ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેમાં 6 એસપી, 9 ડીવાયએસપી,16 પીઆઇ અને 50 પીએસઆઇ સહિત 1024 પોલીસ કોન્સ્ટેબલ સહિત રોડ પર અને સભા સ્થળ પર 2,237 પોલીસ જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળે સુરક્ષાનો મોરચો સંભાળશે.
જામનગર જીલ્લા રાજપૂત સંકલન સમિતિનો સંદેશ
જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવડે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભિતી છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન આવું કાઈ કૃત્ય કરીને પણ કોઈ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. આવું કાઈ ન બને અને આપડે તા.૭ના મતદાનને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આંચારસહિંતાનો ભંગ ન કરવો તેવો સર્વેને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે.