હાલાર: ખંભાળિયાના મેળાને લઇને લોકોને ઉત્સાહ આસમાને હતો. અને તેમાં પણ ગઈકાલે ઋષિ પંચમીના પર્વને લઈ મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો. જ્યાં પગ મુકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન મોતના કુવાની બાજુમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી ગઈ હતી. ક્ષણિક ધુમાડાના ગોટેગોટાના દ્ર્શ્યો સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
સૌરાષ્ટ્રના મીની તરણેતર તરીકે ઓળખાતા ખંભાળિયાના લોકમેળામાં ગઈકાલે રવિવારની રજા ઉપરાંત ઋષિ પંચમીના પર્વને લઈ હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. આ વેળાએ ગઈકાલે મોડી રાત્રે મોતના કૂવાની બાજુમાં શોર્ટસર્કિટ થતાં નાસભાગ મચી ગઈ હતી.વીજ કેબ્લમાં ધડાકાના દ્ર્શ્યો સર્જાયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવર હિટિંગનાં લીધે વાયર ઓગળતા આ શોર્ટ સર્કિટ થઈ હોવાનું સામે આવ્યું છે.
જોકે આ સમયે લોકોએ હાથવગા હથિયાર સમાન ફાયર સિલિન્ડર લઈ આગને કાબુમાં લીધી હતી. જ્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ટોળાઓને વિખેર્યા હતા.