હાલાર: આજના યુગમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, માતા-પિતાની જાણ બહાર પ્રેમ સંબંધમાં અંધ બનીને અંગત ક્ષણો ના ફોટા કે વિડિયો પ્રેમી સાથે શેર કરતી યુવતીઓએ પાછળથી કેવી રીતે શોષણનો ભોગ બનવું પડે છે તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ સમજદારી દાખવીને કેવી રીતે બચી શકે તેવા ઉદાહરણ આપે છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બહાર આવ્યો છે. આ કિસ્સો જાણીને અન્ય યુવતીઓએ પણ બોધપાઠ લેવાની જરૂર છે.
શું છે સમગ્ર મામલો?
જમનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી.
પરંતુ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હોવાથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેણીએ જણાવેલ કે તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે. અને પીડિતા દ્વારાના પાડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.
યુવતી જ્યારે યુવકને મળવા ગયેલ ત્યારે 181 અભયમ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લઇ રેસ્ક્યુ વાન દૂર ઊભી રાખી ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પડ્યો હતો. અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોન માંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા સૂચન કરેલ. બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં તેવી ખાતરી આપેલ અને નંબર ડિલીટ કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પરજ નિરાકરણ આવ્યું હતું.
અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી યુવતીએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.