હાલાર: જામનગર નજીક આવેલા નાઘેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના ઘરે તેની પત્નીના પરિવારજનોએ આવી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં પોતાની દિકરીને કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાની યુવાને ફરિયાદ નોંધાવતા પંચ બી પોલીસે આ સમગ્ર બનાવ મામલે સાતથી આઠ જેટલા શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના નાઘેડી ગામે નવા પાણીના ટાંકો, જૂનો ગઢવી ચોક, પીઠળ પ્રોવિઝન સ્ટોરવાળી ગલીમાં રહેતાં અને ફર્નિચર કામનો ધંધો કરતાં હાર્દિકભાઇ ભીખુભાઇ ધોકિયા (ઉ.વ.25) નામના યુવાને રીનાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી હાર્દિકભાઇના સસરા હાજાભાઇ આલાભાઇ આંબલિયા, તેના સાળા રાહુલભાઇ હાજાભાઇ આંબલિયા, રાહુલના મામા તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો બે ફોરવ્હીલર લઇ હાર્દિકના ઘર ગયા હતાં અને ત્યાં ઘરની ડેલી ટપીને હથિયારો સાથે ધસી જઇ હુમલો કરી દીધો હતો.
આ બધા શખ્સોએ સાથે મળી હાર્દિકભાઇને લોખંડની કોસથી વાસામાં તથા જમણા પગની સાથળમાં હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુંનો માર મારી મારકૂટ કરી હતી. ઉપરાંત હાર્દિકભાઇના પિતાને પગલમાં અને તેનાભાઇ પરેશને કમરના ભાગે ધોકો ફટકારી હાથમાં વિખોડિયા ભરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતાની દિકરી અને હાર્દિકભાઇની પત્ની રીનાબેન જે રૂમમાં હોય તે રૂમનો દરવાજો તોડી તેણી સાથે પણ મારકૂટ કરી ઇજા પહોંચાડી તેનું અપહરણ કરી લઇ જતા હતાં. દરમિયાન હાર્દિકભાઇના માતા વચ્ચે પડતા તેમને પણ આરોપીઓએ એકસંપ કરી શરીરે મુંઢ માર માર્યો હતો અને ફરી હાર્દિકભાઇના પિતા તથા તેના ભાઇ વચ્ચે પડતાં તેઓને લાકડાના ધોકા, કોસ અને પટ્ટાથી માર માર્યો હતો અને પોતાની દિકરીનું અપહરણ કરી નાશી ગયા હતાં.
આ બનાવ અંગે હાર્દિકભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ તમામા આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ 365, 427, 452, 323, 504, 506(2), 34, 143, 147, 148 તથા જીપીએક્ટની કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હછે. આ બનાવ અંગે પંચ બી પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એ.કે.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.