હાલાર: ‘ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થશે’ માતા-પુત્રના પવિત્ર સબંધ વિશે તો બધા જાણે જ છે. એક માતાને પોતાના પુત્ર વગર જરાય ગમે નહિ. જામનગરમાં કાળજુ કંપાવી નાંખે એવો હ્યદયદ્રવક બનાવ બન્યો છે. એક જ ઘરમાં પુત્રની હજુ તો અંતિમવિધિ પતિ ત્યાં જ તેની માતાએ પણ ચીર વિદાય લીધી. હચમચાવી નાખતો કિસ્સો જાણીને સૌકોઈ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
બનાવની વિગતવાર જોઈએ તો બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે ભાનુશાલી સમાજ શોકના સાગરમાં ડૂબ્યો છે. ભાનુશાળી સમાજના કનખરા પરિવાર પર વજ્રઘાત સમાન ઘટના સામે આવી છે. જેની પ્રાથમિક વિગત અનુસાર જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી બીમાર હતા. પેરાલીસિસ એટેક બાદ તેઓએ પથારિવસ હતા. જેનુ ગાઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું. બીજી બાજુ આ ઘટનાને લઈને સમગ્ર ભાનુશાળી સમાજ શોકમાં ગરકાવ થયો છે.
બનાવને પગલે ભાનુશાળી સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાં હતા, તો સમગ્ર જામનગરમાં આ બનાવને લીધે ઘેરા શોકની લાગણી પ્રવર્તિ છે.