એ હાલો.. આજથી ફોન સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લુ મુકાશે હો.. પછી કે’તા નહીં કે અમે રહી ગયાં!
2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે આઈ-ખેડુત પોર્ટલ તારીખ 18/06/2024 ના રોજ સવારે 10:30 કલાકથી 7 દિવસ સુધી ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવી છે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવી.
આ યોજનાનો હેતુ શું છે?
રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. તો આ જ કારણે ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.
જાણી લેજો કોણ-કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે?
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- સૌ પ્રથમ તો અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવા જોઈએ અને જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય એ ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે.
- સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ યોજનામાં કેટલોક ફાયદો થશે એ જાણી લો!
આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે. હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
- ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
- ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
- ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
- અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો Smartphone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
- સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ બધુ તો ઠીક પણ જરાક એવા નિયમ પણ છે એ પણ જાણી જ લો
- આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
- આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
- નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
- સહી કરેલ પ્રિન્ટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.
હવે અરજી કેમ કરવી એ ખબર છે? તો ચાલો એ પણ વાંચી જ લો
ખેડૂતોર www.ikhedut.gujarat.gov.in નાં પોર્ટલની મુલાકાત લઈ અને પોર્ટલ પર તેઓએ “અરજી કરો” ટૅબ પર ક્લિક કરવું પડશે.
અને પછી તેમની પસંદગીની યોજના પસંદ કરવી પડશે.આમ યોગ્ય માહિતી દાખલ કર્યા પછી તેઓએ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું પડશે. અને અરજી થયા પછી ખેડૂતો તેમની અરજીની સ્થિતિ પણ આ પોર્ટલ પર ટ્રૅક કરી શકશે.