હાલાર: જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ગતરાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્કેટીંગ યાર્ડ પાછળના ભાગે આવેલ ખેતરમાં બોરવેલનું કામ ચાલું હતું. આ દરમિયાન ખેતરમાં ઊંઘી રહેલા બે શ્રમિક તોતિંગ બોરવેલ ગાડી નીચે ચગદાઈ જતાં બંને શ્રમિકના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બન્ને પરપ્રાંતિય શ્રમિકના સ્થળ પર મૃત્યુંના પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ગઈકાલે રાત્રે જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ ખેતરમાં બોરવેલનું કામ ચાલું હતું ત્યારે ૧૦૦૦ ફૂટની કેપેસીટીવારો બોર થયા બાદ ૧૫૦૦ ફૂટની કેપેસીટીવાળો બોર કરવાનો હોવાથી અન્ય બોરવેલની ગાડી બોલાવવામાં આવી હતી. આ દરમિયાન ૧૦૦૦ ફૂટના બોરનું કામ સંપન્ન થયા બાદ મજૂરો ખેડેલા ખેતરમાં ઊંઘી રહ્યાં હતાં. ત્યારે રસ્તાના નજીક ઊંઘેલા મજૂરો ધ્યાને ન આવતા બોરવેલ ચાલકે શ્રમિકોના ઉપરથી બોરવેલની ગાડી ફેરવી દેતાં મધ્યપ્રદેશના બે મજૂરનું ઘટનાસ્થળે જ ચગાદાઈ જતાં મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ જામજોધપુર પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્તક શ્રમિકોના નામ રીતેશ નરગાવે અને ભગી સેનાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા બન્નેના મૃત્તદેહનો કબ્જો સંભાળી હાલ પીએમ સહિતની કાર્યવાહી કરાઈ રહી છે.