હાલાર: એક બાજુ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. બીજી બાજુ હાલ પરશુરામ જયંતિ ઉપરાંત બીજો શનિવાર અને રવિવારના સમયગાળાને લઈ મીની વેકેશન જેવો માહોલ છે. આથી હાલારની ધરતી પરના સ્વર્ગ ગણાતા શિવરાજપુર બીજ અને દેવભૂમિ દ્વારકા નો વિશ્વવિખ્યાત જગત મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. આ જેને લઈને દ્વારકાની બજારમાં પ્રવાસીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શિવરાજપુર બીચ ઉપરાંત સુદર્શન બ્રિજ પર જઈ લોકો મોટી સંખ્યામાં આનંદ માણી રહ્યા છે.
હિલોળા લેતા દરિયાના કાંઠે બિરાજમાન ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે દર વર્ષે લાખો લોકો જગત મંદિરના દરબારમાં આવતા હોય છે. ત્યારે હાલ મીની વેકેશન ઉપરાંત બાળકોને પણ સ્કૂલમાં વેકેશન હોવાથી મોટાભાગના લોકો પ્રવાસના આયોજન કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે.હાલ દ્વારકા મંદિર ઊપરાંત બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ધંધા રોજગારને પણ સારી એવી આવક જોવા મળી રહી છે. પરિવહનથી માંડી હોટલોના બુકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત દ્વારકાની ધરતી પરના સ્વર્ગ સમાન શિવરાજપુર બીજ અને તાજેતરમાં જ ખુલ્લુ મુકાયેલ રળિયામનું સ્થળ સુદર્શન બ્રિજ જોવા માટે પણ લોકો દોડી રહ્યા છે. હાલ બડબડતા ઉનાળામાં શિવરાજપુર બીજના દરિયામાં ઠંડા પાણીમાં ન્હાવાની લોકો મોજ માણી રહ્યા છે. આ ઉપરાંત બાઈક ચલાવી તેમજ હોડીમાં બેસવું, સ્કુબા સહિતની રાઇડ્સનો પણ બાળકો અને પરિવારજનો આનંદ માણી રહ્યા છે. આથી રાઈટના ધંધા સાથે સંકળાયેલા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાજપુર બીચ પર ઘસારાને લઇ સ્થાનિક દુકાનદારો પણ ગેલમાં આવી ગયા છે.