હાલાર: કહેવાય છે ને કે દીકરી વગર બાપ અધૂરો છે. દીકરી અને બાપના હેત અને વ્હાલના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ અમર થઈ ગયા છે. ત્યારે આજે જામનગર જિલ્લામાં આપઘાત અંગેનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાંપા બેરાજા ગામે છૂટાછેડા બાદ વ્હાલસોઇ દીકરીને સાથે ન રાખી શકવાના દુઃખમાં યુવાને મોત વ્હાલુ કરી લીધું છે. છૂટાછેડા બાદ પોતાની જીવથી પણ વ્હાલી દીકરી તેની માતા સાથે રહેતી હતી. જે દીકરીનો વિયોગ સતાવતો હોવાથી પિતાએ જીવ દીધો હોવાનું સામે આવ્યું છે.
જાણો શું છે આ સંપૂર્ણ ઘટના:
વાત એમ છે કે જામનગર જિલ્લાના ચાંપા બેરાજા ગામે રહેતા મયુરભાઈ જગદીશભાઈ ભટ્ટ નામના 29 વર્ષીય યુવાનના ગત તા. 15/7/2024 ના રોજ પોતાની પત્ની સાથે છુટાછેડા થયા હતા. તેઓને 2 વર્ષની વ્હાલસોઈ દીકરી વાણી પણ હતી અને છુટાછેડા બાદ મયુરભાઈ પોતાની દીકરીને સાથે રાખવા માંગતા હતા. જો કે છુટાછેડા બાદ દીકરી તેમની માતા સીમાબેન સાથે રહેતી હતી જે વાતનું મનોમન લાગી આવતા મયુરભાઈએ ગત તારીખ 20/7/2024 ના રોજ બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરી લીધો હતો. યુવાને પોતાના હાથે બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોને જાણ થઈ હતી.
જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નિવડતા યુવાને સારવાર દરમિયાન આખરી શ્વાસ લીધા હતાં. આ અંગે યોગેશભાઈ ભટ્ટે પંચકોષી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.