હાલાર: જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટી ખાવડીમાં દીકરીએ માતાને કોલ્ડ્રીકમાં ઊંઘની ગોળીઓનો પાવડર પીવડાવી અને પ્રેમી સાથે યુવતી ભાગી છુટી હતી. એટલું જ નહિ યુવતીએ પોતાના ઘરમાં રહેલ રૂપિયા 3.5 લાખની ચોરી કર્યાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. હાલ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ દોડતી થઈ છે અને મેઘપર પોલીસે પ્રેમી યુગલને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના મોટીખાવડી ગામે રહેતાં અને પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ઉત્તરપ્રદેશના છોટેલાલ ઉર્ફે મૂળુભાઇ ગ્યાદીનભાઇ કુશ્વાહની દિકરી સહિત ત્રણ શખ્સોએ પ્રેમલગ્ન કરવા ધતીંગ રચ્યાનું સામે આવ્યું છે. છોટેલાલની પુત્રીએ પ્રેમલગ્ન કરવા અર્થે ભાગી જવા તેમની માતાને ઉંઘની ગોળીઓનો પાવડર કોલ્ડ્રીંક્સમાં ભેળવી પીવડાવી દીધો હતો. ત્યારબાદ છોટેલાલના ઘરમાં રહેલ લોખંડની પેટીમાંથી 3,50,000 ની રકમની ચોરી કરી લીધી હતી.
જે અંગે છોટેલાલે પોતાની પુત્રી તેમજ અંબુજ ઉર્ફે બીટુ પ્રદિપભાઇ ગુપ્તા (રહે.ઉત્તરપ્રદેશ) અને કપ્તાન ઠાકુરદાસ સાક્ય (રહે.ઉત્તરપ્રદેશ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 120 (બી), 328, 380, 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકરણની મેઘપર પોલીસે પીએસઆઈ બી.બી.કોડિયાતર વધુ તપાસ ચલાવી રહ્યાં છે.