- દારૂના જથ્થા સાથે બે ટાબરીયા સહિત ચાર વિદ્યાર્થીઓ પોલીસ ઝપટે ચડ્યા
- 12 હજારની દારૂની પેટી ખરીદી 15 હજારમાં વેંચતા હોવાનો ધડાકો
- બાળકો છ મહિનાથી આ ધંધા સાથે સંકળાયેલા હતાં
હાલાર: જામનગરમાં વક્રતા દારૂના દૂષણ વચ્ચે હવે વિદ્યાર્થીઓ પણ દારૂના રવાડે ચડી ગયા હોવાનો કિસ્સો ગઈકાલે સામે આવ્યો છે. સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે લાલવાડી પટેલ સમાજ સામે રેડ પાડી હતી. જે દરમિયાન દારૂના જથ્થા સાથે બે ટાબરીયા સહિત ચાર વિદ્યાર્થીઓ પકડી પોલીસ ઝપટે ચડ્યા હતા. વિદ્યાર્થીઓ પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા હોવાંની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એટલું જ નહિ 12 હજારની દારૂની પેટી ખરીદી 15 હજારમાં વેંચતા હોવાનો ધડાકો થયો છે. મોજશોખ પૂરા કરવા વિદ્યાર્થીઓ આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ એક બાળકના પિતા ગટરના કામ રાખે છે, તો અન્ય બે બાળકોના પિતા કારખાનામાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે. બાળકો 6 માસથી દારૂ વેંચતા હોવા છતાં પરિજનોને સ્હેજ પણ ખબર ન હતી.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળતા પોલીસે લાલવાડી પટેલ સમાજ પાસે રેડ પાડી હતી. આ દરમિયાન ઉમેશ લખુભાઈ છૈયા, લાખાભાઈ ડનૈયા નામના બે શખ્સો ઉપરાંત કાયદાથી સંઘર્ષિત બે કિશોર 102 દારૂના ચપલા સાથે પકડાયા હતા. પોલીસે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો જામનગરના ગોકુલનગરમાં અયોધ્યા નગરમાં કાચલીના કારખાના પાસે રહેતા અરજણ ભારવડિયા ઉર્ફે લાલો ભૂરી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આખા દારૂના નેટવર્કની જાણકારી મેળવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉમેશ છૈયા પાસેથી રૂા. 12 હજારમાં પેટી લેવામાં આવતી હતી અને જે તેઓ છૂટક ગ્રાહકોમાં રૂા. 15 હજારમાં વેચી નાખતા હતા. ઉમેશ છૈયા આ પેટી અરજણ ભારવાડીયા ઉર્ફે લાલો ભુરી પાસેથી રૂા.9 હજારમાં લેતો હતો.
જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકરણની સીટી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ વીઆર ગામેથી વધુ તપાસ ચલાવી રહ્યા છે.