- રાજ્યના ગૃહ મંત્રી ગઈકાલે મોડી ગત રાત્રે જામનગર આવી પહોંચ્યા
- ભાજપના આગેવાનો અને પોલીસ અધિકારીઓ સાથે કરી હતી બેઠક
- તમામ સુરક્ષા એજન્સીઓને ખોબલે-ખોબલે અભિનંદન પાઠવ્યા
હાલાર: ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ગઈકાલે મોડી ગત રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 2 ના રોજ સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જંગી જન સભા સંબોધશે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગરની ઓચિંતી મુલાકાતે આવેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ ભાજપના આગેવાનો પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન ગુજરાતના સાગરકાંઠા વિસ્તારમાં ઝડપાયેલા જંગી ડ્રગ્સના જથ્થા મામલે ગુજરાત પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા હતા અને કામગીરીનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગઇ રાત્રે ફરી જામનગરના મહેમાન બન્યા હતા. આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની જાહેર સભાના સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ શહેર ભાજપ તથા જામનગરના અન્ય આગેવાનો ને મળ્યા હતા. ઉપરાંત ચૂંટણી કાર્યાલયની મુલાકાત કર્યા પછી મોડી રાત્રે જામનગરની અનેક ગલીઓમાં પણ ફર્યા હતા.
ગુજરાતના યુવાધનને બરબાદીના રવાડે ચડાવવામાં વર્ષોથી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય અને ગુજરાતના દરિયાને નશાના આ કારોબારમાં અન્ય દેશના તત્વો નિમિત્ત બનાવતા હોય છે. ત્યારે એટીએસ, કોસ્ટગાર્ડ સહિત ગુજરાત પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ એક પછી એક ઓપરેશન પાર પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી રહી છે અને નાપાક હરકતનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ એજન્સીની કામગીરી ને બિરદાવી હતી.
તેઓએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાત પોલીસના જવાનો ગોળીઓનો સામનો કરે જેથી ડ્રગ્સ આપણી સીમામાં આવતું અટકાવે છે. ગુજરાત એ.ટી.એસ , એન.સી.બી. અને ગુજરાત પોલીસની ટીમને એક બાદ એક મેગા ઓપરેશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશનને શ્રીલંકામાં જતું અને બીજા દેશોમાં જતું દ્રગસ અટકાવીને ખૂબ મોટું કામ કર્યું છે તેવી વાત કરી હતી. ધીમા ઝેર સમાન ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરી સુરક્ષા એજન્સીઓએ રાજ્યના યુવાનોને બરબાદીના ખપરમાં હોમાતા અટકાવ્યા છે. જે ને એક નાગરિક તરીકે હું વખાણું છું તેમ અંતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વધુમાં જામનગરમાં રાજપુત સમાજના લોકો સાથે થયેલી બેઠક અંગે હર્ષ સઘવીએ જણાવ્યું હતું, કે રાજપુત સમાજના આગેવાનો એ અમારો પરિવાર છે. પરિવારના લોકો સાથે મળવાનું થાય એમ મળ્યા બાકી બીજી કોઈ વાત પણ થઈ નથી.