હાલાર: દ્વારકામાં ડ્રગ્સ, ચરસ સહિત નશીલા પદાર્થો પકડવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના કડક કામગીરીના દાવા વચ્ચે પણ દ્વારકા પંથકમાંથી છેલ્લા કેટલાક દિવસથી અવિરત નસીલા પદાર્થના પેકેટો મળી રહ્યા છે. ત્યારે આજે પણ દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દ્વારકા પોલીસે અંદાજે 50 જેટલા પેકેટ જપ્ત કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યા છે. દ્વારકાના ગોરિંજાના વાંછુ વિસ્તારમાંથી બિનવારસુ ચરસ મળ્યું હોવાની માહિતી મળી રહી છે. જેને પગલે પોલીસ સતર્ક બની છે.
દેવભૂમિ દ્વારકાના દરિયા કાંઠેથી છેલ્લા કેટલાક સમયથી વિવિધ નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. તાજેતરમા જ દ્વારકાની નજીક આવેલા રૂપેણ બંદર નજીક છુપાયેલા સંજોગોમાં ચરસના 30 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજિત કિંમત 16.65 કરોડનો જથ્થો જપ્ત કર્યા બાદ ઝીણવટભરી તપાસ આદરી હતી.ત્યારે આજે દ્વારકાના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો મળી આવ્યો છે. આશરે 50 જેટલા પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડ્યો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડ ઉપર અંદાજવામાં આવી રહી છે.
આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજે દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપળેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે.જેને પગલે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસે દોડી જઇ સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું છે. પોલીસ તંત્રના ધમાને લઈ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે.
મહત્વનું છે કે છેલ્લા એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. જેમાં નશીલા પદાર્થ ઝડપાઈ રહ્યા છે.