હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં રહેતા એક સોની પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે, અને પતિએ પોતાની બીમાર પત્નીને માર મારી કાસળ કાઢી નાખ્યા પછી તેના ત્રણ સંતાનો મૃત માતાને જોઈ જાય તે પહેલાં દર્શનાર્થે મોકલી દીધા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પતિ પત્ની બંનેના મૃત્યુના બનાવને લઈને ત્રણેય બાળકો નોંધારા બન્યા છે.
કરૂણાજનક બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ઘઘડા અને તેમની પત્ની જશુબેન વચ્ચે ગૃહકંકાસ ચાલતો હોય, તેમજ પતીને હેમરેજની બિમારી હોય, દરમ્યાન ગઈકાલે રાત્રિના બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોય જેમાં પતિ શૈલેષભાઈએ પત્નીને ઢોરમાર માર્યો હતો.
જેમાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. દરમ્યાન સવારે પતિએ પત્નીને ઉઠાડતાં તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાઈ આવ્યું હતું. આથી શૈલેષભાઈએ તેમના એક દીકરો અને બે દીકરીને મંદિરે દીવાબતી કરવા મોકલી દીધાં હતાં અને પાછળથી પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ત્રણેય સંતાનો દર્શન કરીને પરત ફરતાં સમગ્ર મામલાની જાણ થવાથી ત્રણેય બાળકોએ હૈયાફાટ રુદન કર્યું હતું. અને પાડોસી અવાજ સાંભળી ત્યાં આવી ગયા હતા..જ્યાં સમગ્ર મામલે કલ્યાણપુરના મહિલા પીએસઆઇ ઉષાબેન સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક પતિ સામે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પતિ અને પત્ની બંનેના મૃત્યુને લઈને તેના ત્રણ માસુમ સંતાનો નોંધારા બન્યા છે.