- સુરત SOGના DCP રાજદિપસિંહ નકુમની ગંભીર બેદરકારી
- ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઈ DGPને મોકલ્યો રીપોર્ટ
જામનગર: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુરૂવારે જામનગરમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી તે પહેલાં ગઈકાલે બંદોબસ્તના રીહર્સલમાં સુરત SOGના DCP રાજદિપસિંહ નકુમે ગંભીર બેદરકારી દાખવતા DGPને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવારનો રીપોર્ટ કરવામાં આવ્યો છે જે જોતાં આકરા પગલા લેવાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ વડાપ્રધાન સહિતના VVIP બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની જરૂર પડતી હોવાથી રાજયભરમાંથી અધિકારીઓ અને માણસોને બોલાવવામાં આવે છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્તમાં અન્ય અધિકારીઓ સાથે સુરત SOGના DCP રાજદિપસિંહ નકુમને પણ બોલાવવામાં આવ્યા હતા.
આ સમયે તેમને એરપોર્ટ બંદોબસ્ત ઉપરાંત એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીના રોડ બંદોબસ્તના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી હતી. જામનગરમાં ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઇ હતી. જે અંતર્ગત ૧ તારીખે જામનગરના એરપોર્ટથી ખોડિયાર કોલોની માર્ગે રિહર્ષલ કરવામાં આવ્યું હતું. ત્યારે તે રિહર્ષલ દરમિયાનની ફરજમાં બેદરકારી સામે આવી હતી.
અમુક જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરીકેટ પણ લગાવાયેલા ન હતા અને ડીપ પોઇન્ટ પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસ સ્ટાફના કર્મચારીઓને બેરીકેટીંગ બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જયારે નિયમ એવો છે કે ૭૦ ટકા સ્ટાફ બેરીકેટની અંદર અને ૩૦ ટકા સ્ટાફ બહાર રાખવો જોઈએ. પરંતુ અધિકારી દ્વારા તે પ્રકારેનું સુપરવિઝન કરાયું ન હતું.
આમ બેરીકેટિંગની અંદર અને બહાર નિયમ મુજબ પોલીસ કર્મચારીઓને રાખવામાં આવ્યા ન હતા અને નજીકનો નેશનલ પાર્ક રૂટ પર આવતો હતો આમ છતાં ત્યાં કોઈ શંકાસ્પદ માણસો કે વસ્તુઓ અંગે ચકાસણી કરવામાં આવી ન હતી આ સિવાય એરફોર્સ સ્ટેશન નજીક ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બેરીકેટ પણ મૂકવામાં આવ્યા ન હતા આ તમામ બેદરકારીની ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઈ સુપરવાઈઝીંગ ઓફિસર DCP રાજદીપસિંહ નકુમ વિરૂધ્ધ DGPને રીપોર્ટ કર્યો છે.
જેથી રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમ ને નોટિસ પાઠવી છે. જેને લઈને પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.