- ફુલના 15 થી 20 રૂપિયા ભાવ મળતા હતા
- મોખાણાંના મોટાભાગના ખેતરોમાં રંગબેરંગી ફૂલો લહેરાઈ રહ્યા છે.
- અમારા ગામના 100 કરતાં વધુ ખેડૂતોના ખેતરમાં ફૂલની ખેતી થાય: વિક્રમભાઈ
રણજીતસાગર ડેમ નજીક આવેલું મોખાણા ગામ એટલે જામનગર જિલ્લાનું કાશ્મીર કહી શકાય. કારણ કે મોખાણા ગામે સૌથી વધુ ખેડૂતો ફૂલની ખેતી સાથે સંકળાયેલા છે. જેને લઇને હાલ ફૂલની સિઝન ચાલુ હોવાથી મોખાણા ગામનો નજારો કાશ્મીર જેવો જોવા મળે છે. મોટાભાગના ખેતરોમાં રંગબેરંગી ફૂલો લહેરાઈ રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને હાલ ફૂલની ખેતીમાં સારી એવી કમાણી મળી રહ્યો હોવાથી ખેડૂતો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
ફૂલની ખેતી સાથે છેલ્લા પાંચેક વર્ષથી સંકળાયેલા ખેડૂત વિક્રમભાઈએ જણાવ્યું કે ફૂલની ખેતીમાં સારી કમાણીની અનુકૂળતાને પગલે અમારા ગામના 100 કરતાં વધુ ખેડૂતોના ખેતરમાં ફૂલની ખેતી થાય છે. ખેડૂતો એ મગફળી, કપાસ સહિતની પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી છે. હાલ ગલગોટા, સફેદ ફૂલ અને દેશી અંગ્રેજી ગુલાબ સહિતના ફૂલોનું ઉત્પાદન થાય છે. બાદ ફૂલની ખેતી એક એવી છે જેમાં દૈનિક મજૂરી કરવી પડે છે પરંતુ વધુ કોઈ ખર્ચ આવતો નથી. જેને લઈને ખેડૂતો આ ખેતી તરફ આકર્ષાયા છે. વધુમાં બજારમાં ફુલના સારા એવા ભાવ મળતા હોવાથી વધુને વધુ ખેડૂતોની ખેતી તરફ વળ્યા છે.
ભાવની વાત કરવામાં આવે તો અગાઉ ફુલના 15 થી 20 રૂપિયા ભાવ મળતા હતા. જે હવે 40 થી 50 રૂપિયા જેવા મળી રહ્યા છે. સફેદ ફૂલના 40 થી 50 ઉપરાંત ગલગોટાના પણ 40 થી 50 અને ગુલાબના ફૂલના 50 રૂપિયા થી 60 રૂપિયા ભાવે વેચાણ થઈ રહ્યું છે. આમ પૂરતું વળતર મળી રહ્યું છે. ખાસ એક કારણ એ પણ છે કે રણજીતસાગર ડેમ નજીક હોવાથી મોખાણા ગામના કુવાઓ અને બોરમાં પાણી ખૂટતું નથી. ફૂલની ખેતીમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોને અહીં પૂરતું પિયત મળી રહે છે.
ફૂલનું ઉત્પાદન થયા બાદ સ્થાનિક બજારમાં ફૂલની લેવાલીને પગલે ખેડૂતોને વેચાણ માટે પણ કોઈ અગવડતા પડતી નથી. જેથી આ ફૂલની ખેતી કરી અને વેચાણ કરી શકે છે. હજુ પણ વેલેન્ટાઈન ડે સહિતના વિક નજીક આવતા જ ફૂલની બજારમાં માંગ જોવા મળશે અને તેને લઈને ભાવ ઊંચકાય તો નવાઈ નહીં! તેવો ખેડૂતો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.