હાલાર: જામનગર જિલ્લાના અમુક ગામો અને વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખાવાને આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. આપના આગેવાનોએ માટલા ફોડી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર મારફતે મુખ્યમત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમીયાન 50 આગેવાનોની અટકાયત કરાઈ હતી.
આવેદન પત્રમાં જણાવાયા અનુસાર વર્ષોથી શુષ્ક પ્રદેશ તરીકેની છાપ ધરાવતા સૌરાષ્ટ્રનો જામનગર જિલ્લો આજે પણ પાણીની અનિયમિતતા સામે જજુમી રહ્યો છે. સિંચાઈની વાત તો દૂર રહી પરંતુ આ કાળજાળ ઉનાળામાં આજે પણ અમુક ગ્રામીણ પંથકમાં લોકો પાણી માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે. સૌની યોજના અને નલ સે જલ યોજના બેશક આવકારદાયક છે. પરંતુ તેની વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. આજે અમુક વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ગામડાઓની વાતો દૂર રહી જામનગર જેવા શહેરમાં પણ ટેન્કર રાજથી અનેક વિસ્તારો તરસ છુપાઈ રહી છે અને તેમાં પણ અનિયમિત પાણી વિતરણને લઈને વિસ્તારવાશીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આપ સાહેબને વિદિત થાય કે નળ સે જલ યોજનાની સો ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેવી રૂપાળી વાતો વચ્ચે આજે પણ જામનગર જિલ્લાના ચાર ગામો અને બે પરા સહિત છ પંથક સુધી હજુ પણ પાણીની લાઈનો અને નળ ન પહોંચ્યા હોવાથી આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તરસાઈ ગામ ઉપરાંત ડોકારડાનેશ તથા વસંતપુર, મેલાણ અને લાલપુર તાલુકાનું વિજયપુર તેમજ રીંજપુર (સરધુના) અને જામનગર જિલ્લાનું સરમત (ખાણ વિસ્તાર)માં આજે પણ પાણીની લાઈનો પહોંચી નથી. શહેર અને ગામડું તો દૂર આજે અમુક ગામડાના વાડી વિસ્તારમાં રહેતા લોકો જેઓ પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી અને પોતાનું ગુજરાત અને પશુપાલનનો વ્યવસાય ચલાવી રહ્યા છે. જે ખૂબ નિંદનીય અને ગતિશીલ ગુજરાત માટે જનક બાબત કહેવાય.
અનિયમિત પાણી વિતરણ અંગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત વિસ્તારના પ્રતિનિધિઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ઉડાવ જવાબ આપીને રજૂઆતને કચરાપેટીમાં ફેંકી દે છે. અધિકારીઓ પ્રજાપતિ નિધિની રજૂઆતને ગાંઠતા નથી તે પણ સત્ય હકીકત છે અને તેના પાપે આજે અનેક આધુનિક યુગમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષાઈ નથી.
આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમારી માંગણી અને લાગણી છે કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની આ સમસ્યા મામલે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને યોગ્ય પગલા ભરીને લોકોને પાણી જેવી મહત્વની જરૂરિયાત માટે ઝઝુમવું ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા આપ સાહેબ દ્વારા સબંધિત અધિકારીઓને આદેશ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.