- લાલપુર તાલુકાના ઝાખર ગામનો કરુણ બનાવ
- અકસ્માતને લઇ વોકિંગમાં નીકળેલ યુવાનનો જીવનદીપ બુજાયો
હાલાર: લાલપુર તાલુકાના ઝાખર ગામના યુવાનને અકસ્માતે કાળ આંબી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વોકિંગ માટે નિકળેલા એક યુવાનને બેકાબુ બાઈકના ચાલકે અડફેટે લીધો હતો. જેને લઇને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જો કે સારવાર કારગત ન નિવડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. જેને લઇને સ્થાનિક પોલીસમાં જાણ કરાતા પોલીસે મોતની નોંધ કરી બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા મહિપતસિંહ બંનેસંગ જાડેજા તેમજ મહેન્દ્રસિંહ મહિપતસિંહ ચુડાસમા નામના બંને મિત્રો ગઈકાલે રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં ઝાખર ગામના પાટીયા પાસેથી સિંગચ ગામ તરફ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ડી.એસ. 6825 નંબરના બાઈકના ચાલકે રાહદારી મહિપતસિંહ જાડેજાને ઠોકરે લેતાં અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં તેને ડાબી આંખ તેમજ કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી હેમરેજ થઈ જતાં ઘટના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માતના બનાવ અંગે મૃતકની સાથે પગપાળા ચાલીને જઈ રહેલા મહેન્દ્રસિંહ મહિપતસિંહ ચુડાસમાએ મેઘપર પોલીસ મથકમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઈકના ચાલક સિંગચ ગામના જયદેવસિંહ જાડેજા સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.