હાલાર: જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે જિલ્લામાં વધુ એક યુવાનની લોથ ઢળી છે. જેને પગલે સનસનાટી મચી ગઈ છે. જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં જમાઈપરા સોસાયટીમાં બાળકોના ઝઘડા બાદ મોટેરા બે પાડોશીઓ બાખડી પડ્યા હતા. એક મહિલા સહીત 6 પાડોશીઓ દ્વારા યુવાન પર હુમલો કરાતા યુવાનની લોહીલુહાણ હાલત થઇ હતી. જ્યાં હોસ્પિટલમાં યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. જે અંગે મહિલા સહિત 6 શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
જિલ્લાભરમાં ખળભળાટ મચાવતા આ કેસની વિગત એવી છે કે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બાળકો વચ્ચે માથકૂટ થઇ હતી. જેમાં બે પાડોશીઓ બાખડી પડ્યા હતા. આ વેળાએ રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના ૪૫ વર્ષના યુવાન પર પાડોશમાં જ રહેતા પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા સહીતના દ્વારા લાકડી- ધોકા વડે તૂટી પડ્યા હતા. આથી યુવાનની હાલત ગંભીર થઈ હતી. જેના કારણે લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામજોધપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવારમાં જ઼ યુવાને દમ તોડી દેતા મામલો હત્યામાં પલટાયો હતો.
વધુમાં આ ધીંગાણામાં રમેશભાઈના બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈને પણ ઇજા થતા તેને હાલ જામજોધપુર ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.પાડોશીના હુમલામાં રમેશભાઈ વિરમગામાનું મોત થતા નાના એવા ગામમાં સોપો પડી ગયો છે.
આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. મૃતક રમેશભાઈના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદના આધારે મહિલા સહિતના તમામ છ આરોપીઓ સામે હત્યા તેમજ રાયોટિંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને શેઠ વડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ તમામ આરોપીઓ પોલીસની પકડથી નાશી છૂટ્યા હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી કરી રહી છે.