- કોહલીને તેના વર્તન બદલ દંડ ભોગવવાનો આવ્યો વારો
- KKR સામેની મેચમાં વિરાટને પોતાની વિકેટને લઈને આવ્યો ગુસ્સો
સ્પૉર્ટસ: આઇપીએલ 2024 માં KKR અને RCB વચ્ચે રવિવારે રમાયેલી મેચ આખરી બોલ સુધી રોમાંચક હતી. આ મેચમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો હતો વિરાટની વિકેટ. કોહલીને જે રીતે આઉટ આપવામાં આવ્યો હતો તેના કારણે તે ઘણો જ રોષે ભરાયો હતો. KKR સામેની મેચમાં વિરાટ કોહલી પોતાની વિકેટને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેનો ગુસ્સો એટલો હતો કે તેણે અમ્પાયર સાથે તકરાર કરી હતી. વિરાટ કોહલીને હર્ષિત રાણાએ કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. જોકે, વિરાટ કોહલીનું માનવું હતું કે તે બોલ નો બોલ હતો. ત્યાર બાદ થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આ જ કારણ છે કે વિરાટ કોહલી અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો.
હવે કોહલીને તેના આ વર્તન બદલ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. વિરાટ કોહલીને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8 હેઠળ લેવલ 1 માટે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. કોહલીને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, એટલે કે કોહલીને તેની અડધી મેચ ફી દંડ પેટે ભરવી પડશે.
હકીકતે એવું થયું હતું કે વિરાટ કોહલી હર્ષિત રાણાનો તે બોલ તેની ક્રિઝની બહાર જઈને રમી રહ્યો હતો. આ સિવાય જ્યારે તેણે બોલ રમ્યો ત્યારે તે અંગૂઠા પર ઉભો હતો. આવી સ્થિતિમાં બોલ ચોક્કસપણે તેની કમરથી ઉપર જતો જોવા મળ્યો હતો, પરંતુ તેનો કોણ નીચે તરફ જતો હતો. ક્રિકેટના નિયમો અનુસાર જો કોઈ બેટ્સમેન તેની ક્રિઝની બહાર બેટિંગ કરે છે, તો આવી સ્થિતિમાં કમરથી ઉપર જતા બોલને નો બોલ આપવામાં આવતો નથી. આ જ કારણ છે કે વિરાટ કોહલીને આઉટ કરવામાં આવ્યો હતો. જોકે, કોહલીને લાગ્યું હતું કે તેને ખોટી રીતે આઉટ કરવામાં આવ્યો છે.