હાલાર: સાસણ ગીર બાદ હવે ભાણવડ નજીકના બરડા ડુંગરમાં જંગલ સફારી શરૂ થવા જઈ રહી છે.29 ઓક્ટોમ્બર અને ધનતેરસના પાવન દિવસે બપોરે બે વાગ્યાંથી આ જંગલ સફારી શરૂ થશે.માનવામાં આવે છે કે,એશિયાઈ સિંહોનું ગીર પછી બીજું ઘર એટલે બરડો ડુંગરનો જંગલ વિસ્તાર.
બરડા ડુંગરમાં અતિ રમણીય વિસ્તારમાં અનેક પ્રાણીઓ,પાણીના ખળખળ વહેતા ઝરણાંઓ, શિયાળ, જંગલી બિલાડી, સિંહ અને દીપડો તેમજ અન્ય પ્રાણીઓનો અહીં વસવાટ છે. હવે સાસણ બાદ અહીં બરડા ડુંગરમાં પણ જંગલ સફારી શરૂ થવા જઈ રહી છે ત્યારે પ્રવાસીઓના મનમાં અનેક સવાલો છે કે, ક્યાંથી જવાશે,કેટલો ટિકિટ દર, કયો રૂટ, કયો સમય તો તમારા માટે એ ટુ ઝેડ વિગત અહીં મૂકી છે, વાંચો સમગ્ર વિગત..
જાણો બરડા જંગલ સફારી અંગેની મુખ્ય બાબતો:
- સફારી શિયાળાની સિઝન દરમિયાન સવારના 6.45 થી 9.45 અને 3 થી 6 એમ બે ભાગમાં કરી શકાશે
- સફારી ઉનાળાની સિઝન દરમિયાન સવારના 6 થી 9 અને બપોરના 3 થી 6 વાગ્યાં સુધી
- સફારી દર વર્ષે 16 જૂનથી 15ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે
- ટિકિટ બુકીંગ કપૂરડી નાકાથી ઓફલાઈન કરવામાં આવશે
- બરડા સફારીનો રૂટ અંદાજે 27 કીમીનો રહેશે, જેની શરૂઆત કપૂરડી નાકાથી કરવામાં આવશે અને ત્યારબાદ ચારણુંઆઈ બેરિયરથી અજમાપાટથી ભૂખબરા સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે
- આ સફારી દર્શન માટે 6 પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ઓપન જીપ્સી મુકવામાં આવશે જેમાં ગાઈડની વ્યવસ્થા રાખવામાં આવશે
- સફારી માટેની પરમીટ ફી રૂ.400 અને ગાઈડ ફી રૂ.400 તેમજ જીપ્સી ફી રૂ. 2000 રાખવામાં આવશે. જે ટિકિટ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ થશે
- અહીં પહોંચવા પોરબંદરથી ભાણવડ આવી શકો છો અથવા જામનગર કે ખંભાળિયાથી ભાણવડ પહોંચી કપૂરડી નાકા જવાનુ રહેશે