- જામનગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો
- ઘરમાં ઘૂસી છરીનાં ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો
હાલાર અપડેટ ન્યુઝ: જામનગરમાં એક પછી એક લોથ ઢળી રહી છે અને લોકોમાં ભય વધી રહ્યો છે. ક્રાઇમ રોકવાની જેની જવાબદારી છે એ પોલીસ તંત્ર ઘટના બાદ કાન નીચા કરી તપાસનું નાટક કરી રહી છે. વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો થાય એવી ઘટના બની છે. ગુરુવાર મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર-1 વિસ્તારમાં આવેલ આવાસમાં રહેતા યુવાનના ઘરમાં ઘૂસી બેશક સોએ છરી વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું છે. જેને લઈને બનાવ હત્યામાં પલટાયો છે.
આ મામલે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ ડ્રાઇવર યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
સુરત અમદાવાદ સહીત મેગાસીટીની માફક જામનગર પણ ક્રાઈમ કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ સમયાંતરે ક્રાઈમની ઘટનાઓમાં નોંધાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર.૧ વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસના ચોથા માળે ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું.
ગત રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના વીર સાવરકર આવાસના ચોથા માળે બે શખ્સો ઈકબાલ ગનીભાઇના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં ઈકબાલ કાઈ સમજે તે પહેલા તેમના પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ઈકબાલની ગંભીર હાલત થઈ હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇકબાલને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ રસ્તામાં ઇકબાલને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો છે. યુવાને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા પરીજનો માં અરેરાટી મચી છે.
બીજી તરફ આ બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબીની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પ્રેમ પ્રકરણમાં ઈકબાલ નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારના આ પ્રકરણમાં ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી નામના બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઈમ્તિયાઝ જોખિયા અને મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમય આડા સબંધ હતા. જેને લઈને ઈકબાલ અને તેમની પત્ની વચ્ચે સવાર-સવારમાં કંકાસ થતો હતો આથી બંને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને તેના ભરણપોષણ સહિતની માથાકૂટ ચાલતી હતી. આ દરમિયાન હાલ ઇકબાલ ડ્રાઇવિંગ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તેમની પત્ની તેનાથી અલગ ખખડનગર નવાગામમાં રહેતી હતી.
તેવામાં ગઈકાલે કોઈ કારણસર ઈકબાલની પત્ની (બનેન્ને વાંધો ચાલે છે તે) ઇકબાલને મળવા માટે રાત્રિના સમયે આવી હતી અને બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ વાતની ઈમ્તિયાઝ જોખીયાને જાણ થઈ હતી. અને કદાચ આ વાતનો જ ખાર રાખીને ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી રાત્રિના સમયગાળા દરમિયાન ઈકબાલના ઘરે ઘૂસી ગયા હતા અને ત્યાં છરીઓના આડેધડ ઘા ઝીંકી ઈકબાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે પોલીસે તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં હાલ હત્યાને અંજામ આપનાર આરોપીને દબોચી લેવામાં પોલીસ સફળતાની નજીક હોવાનું જણાઈ રહ્યું છે.