હાલાર: જામનગર જિલ્લાના કલ્યાણપૂર પંથકના મેવાસામાં મોટી કરુણાંતિકા સામે આવી હતી. જેમાં ન્હાવા પડ્યા બાદ તરતા ન આવડતું હોવાથી ઊંડા ખાડામાં ગરકાવ થયેલી બે તરુણીઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે એક યુવતીની ગંભીર હાલત હોવાથી તેને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યાં તેનો સારવાર ચાલી રહી છે.
આ કરુણાજનક કિસ્સાની જાણવા મળતી વિગતો અનુસાર કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે સુજાનબેન મુસ્કાનભાઈ બ્લોચ (ઉં.વ 14), સીમરનબેન ગનીભાઈ મકરાણી (ઉં.વ. 16) અને રૂબીનાબેન યુનુસભાઇ બલોચ (ઉં.વ.28) સહિત 4 ન્હાવા માટે 50 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. જોત જોતામાં તમામ ઊંડા જળ પ્રવાહમાં પહોચી ગઈ હતી. બાદમાં તરતા ન આવડતું હોવાથી 2 તરૂણી અને એક યુવતી પાણીમાં ડુબવા લાગી હતી. જયારે એક યુવતી માંડ-માંડ જીવ બચાવવામાં સફળ થઈ હતી અને પાણીમાથી બહાર નીકળી શકી હતી.
આ અંગે સ્થાનિકોને જાણ કરાતા સ્થાનિક લોકો અને 108 ની ટુકડી સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પાણીના ઊંડા ખાડામાંથી સુજાનબેન મુસ્કાનભાઈ બ્લોચ (ઉં.વ 14), સીમરનબેન ગનીભાઈ મકરાણી (ઉં.વ. 16) નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે રૂબીનાબેન યુનુસભાઇ બલોચ (ઉં.વ.28) બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખંભાળિયા ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે મૃતદેહના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.