હાલાર: જામનગરના અલિયાબાડા ગામ નજીક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક તપાસમાં નદીમાં નાહવા પડેલા જામનગરનો તરુણ જળપ્રવાહમાં ડૂબ્યો હતો. જેમાં ડૂબી જવાથી તેનું કમકામટીભર્યું મોત થયાનું સામે આવ્યું છે. જામનગર ફાયર સ્ટાફે દોડી જય મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ કરુણાંતિકાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગરના આલિયાવાડા ગામે ચેકડેમમાં એક તરુણ ડૂબી ગયો હોવાની સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો. જેને પગલે ફાયર સ્ટાફ મારતે ઘોડે બચાવ સામગ્રી સાથે દોડી ગયો હતો. જ્યાં આલિયાવાડા ગામે મોડા રોડ મચુમતાજીના મંદિરની બાજુમાં ચેકડેમની પાસે નદીના જળ પ્રવાહમાં તરુણની શોધખોળ આદરી હતી.
જ્યાં તપાસમાં યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સ્ટાફ દ્વારા તેના મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતદેહ અજાજ ખાન અયુબખાનનો નામના આશરે 14 વર્ષના કિશોરનો હોવાનું સામે આવ્યું હતું.જે જામનગરનાં કાલાવડ નાકા બહાર રહેતો હોવાનું બહાર આવ્યું છે.