દેશમાં સૌથી અઘરી અને સર્વોચ્ચ ગણાતી UPSC ફાઇનલ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું છે.જેમાં ગુજરાતના 25 સહિત 1016 ઉમેદવારોએ મેદાન માર્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જામનગરમાં રહેતા પરિવારના આંગણે હરખની હેલી વર્ષી છે. ભયંકર ગરીબી અને બાળપણથી જ માતા પિતાની લાંબી ગેરહાજરી વચ્ચે જામનગરના યુવાને તનતોડ જબરદસ્ત મહેનત કરી અને UPSC ની પાસ કરી છે. જેને સાર્થક કરી બતાવ્યું કે પરિશ્રમ વગર પ્રભુ પ્રાપ્તી શક્ય નથી. ખાસ વાત તો એ છે કે ટ્યુશન કે એક પણ પ્રકારની ભૌતિક સુવિધા વગર આ યુવાને કઠિન ગણાતી પરીક્ષા પાસ કરી દેશભરમાં ડંકો વગાડી દીધો છે.
જામનગરમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આકાશભાઈ ચાવડા નામના યુવાને યુપીએસસીની પરીક્ષામાં 1,007 માં રેન્ક હાંસલ કર્યો છે. તેમની અત્યાર સુધીની સફળતાની કહાની અવિસ્મરણીય છે. આકાશભાઈની 3 વર્ષની ઉંમરમાં તેમની વ્હાલસોઈ માતાનું મોત થયું હતું. જેનો વસવસો હજુ માંડ ભુલાતો હતો. ત્યાં તેમની 13 વર્ષની ઉંમરમાં પિતાનું પણ નિધન થયું હતું.
આમ બાળપણથી જ માતા-પિતાની ગેરહાજરીને લઈ આકાશભાઈ ભયંકર કપરી આર્થિક પરિસ્થિતિ ભોગવતા હતા. ત્યારબાદ આકાશભાઈ તેમના મોટાભાઈ જેને તેઓ માતા-પિતા જ ગણે છે તેમની સાથે રહેવા લાગ્યા હતા. તેમના પાલક પિતા (મોટાભાઈ) જે કોડિયાકામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ શિક્ષાનું મહત્વ સમજી આકાશભાઈને સરકારી પરીક્ષા માટે ખૂબ પીઠબળ આપ્યું હતું અને તેમના પરીણામ સ્વરૂપે આજે આકાશભાઈએ જબરી સીધી હાંસલ કરી છે. હાલ તેમના પરિવારમાં માતા-પિતા અને બે પુત્ર સહી તેમનો પાંચ લોકોનો પરિવાર છે.
નબળી આર્થિક પરિસ્થિતિને લઈ આકાશભાઈએ એક પણ ટ્યુશન રાખ્યું ન હતું એટલું જ નહીં કોઈ અલગ રૂમ વગર તેમણે પરિવારની સાથે રહી અને સેલ્ફ પરિપ્રેશનથી આ સફળતા મેળવી છે. ત્રણ પ્રયાસે તેઓએ આ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. તેમની આ સિદ્ધિ બદલ તેઓએ પોતાના પરિવારજનોને આભારી ગણાવી છે.