હાલાર: જામનગરની જી.જી. હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં પ્રોફેસર સામે ચોંકાવનારી જાતીય સતામણીની રાવ ઉઠતા ખળભળાટ મચી ગયો છે. પ્રોફેસર ફોટા પાડી ‘તું બહુ સુંદર છે’ તેમ કહેતા હોવા સહિતના ધગધગતા આરોપ લગાવ્યાનું સામે આવ્યું છે. બીજી બાજુ જી.જી. હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાએ આ મામલે કોઇ લેખિત રજૂઆત ન કરાઇ હોવાનું સબંધિત વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ભોગગ્રસ્ત યુવતીએ આરોપ સાથે જણાવ્યું કે મારે જામનગર મેડિકલ કોલેજમાં એડમિશન સાથે એમ.ડી. માટે જી.જી. હોસ્પિટલમાં ભણવાની સાથે પ્રેક્ટિસ નોકરી પણ કરવાની હતી. આ વેળાએ આ વિભાગના ડોક્ટર દીપક રાવલ ખરાબ નજરથી મારી સામે જોતા હતા પરંતુ તેમની સીનિયોરીટીને લીધે મને નાપાસ કરશે તેવી બીકથી હું સહન કરતી હતી. વધુમાં ડોક્ટરનું ઘણી મહિલા રેસીડેન્ટ ડોક્ટર સાથે અશોભનીય અને શરમજનક વર્તન હતું. તે મોબાઈલમાં મારા ફોટા પાડતા અને પછી મને જ મોકલતા અને કહેતા કે આ ફોટામાં તું સુંદર લાગશ. તેવું કહેતા હતા.
આ ઉપરાંત ઘણા બધા મેસેજો પણ કરતા હતા. અમે જ્યારે ઓપરેશન થિયેટરમાં બીઝી હોઈએ ત્યારે આજુબાજુમાં આવીને કહેતા કે ‘આજકાલ તું મારી સામે જોતી નથી’, રેસીડેન્સી દરમિયાન પાસ થવાની અને એકઝામમાં પાસ થવાની બીકે અને ડરથી જે તે સમયે મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ આક્ષેપને લઈ હોસ્પિટલ લોબીમાં ખળભળાટ મચી ગયો છે.
ચર્ચાતી વિગત અનુસાર આ મામલે ઉચ્ચ કક્ષાએ કોઈ લેખિત રજૂઆત હજુસુધી મળી ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. બીજી તરફ બંનેને આ મામલે સબંધિત વિભાગ દ્વારા બોલાવી નિવેદન લઈ ઉચ્ચ રિપોર્ટ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. યોગ્ય તપાસથી અનેક ભોગ બનનાર મહિલા તબીબો સામે આવે તેમ છે.