હાલાર: હવામાન વિભાગની આગાહીને લઇને આજે જામનગર, દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી મંડાણ જોવા મળ્યા હતા. જેને પરિણામે વાતાવરણ ઠંડુગાર થયું હતું.
જામનગર જિલ્લામાં આજે સવારથી મેઘમહેર થઈ રહી છે. જેને લઈને શહેરીજનોના હૈયા પુલકીત થયા છે. ત્યારે 6 થી 10 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જ્યારે કાલાવડ તાલુકાની વાત કરીએ તો સવા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી વાતાવરણને લઈ હાલારમાં આબુ જેવો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ જામજોધપુર તથા લાલપુરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ ખંભાળિયામાં આજે પણ માત્ર 2 કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાથે જ ધ્રોલ, જોડિયા પંથક આજે કોરા ધાકર રહ્યા હતા.
જોકે સામાન્ય વરસાદે હાલારના અમુક સ્થળે ઉપાધીના ઘોડાપૂર ઉમટ્યા હતા. જામનગરમાં માત્ર સવા એક ઇંચ વરસાદમાં જ જામનગરની મંગલબાગ સોસાયટી સહિત અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયા હતા. અમુક સોસાયટીમાં પાણી ભરતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. વધુમાં રણમલ તળાવમાં નવા નીરની આવક નોધાઈ હતી.
જામનગર જિલ્લામાં લાવડીયામાં અનરાધાર વરસાદ વરસી પડતા નદીઓ ગાંડીતૂર બની હતી. જેને લઇને નદીઓ બે કાંઠે વહેતા નદીના નીર જામનગરના રણજીતસાગર ડેમમાં પહોંચી રહ્યા છે. તે જ રીતે જામજૉધપુરમાં આવેલ સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. સાથે જ વાણીયા ગામનો ડેમ ઓવફ્લો થયો હતો તો કાલાવડ તાલુકાનું છતર ગામ પાણીને લઈ બેટમાં ફેરવાયું હતું.
વાત કરીએ દ્વારકા જિલ્લાની તો હાબરડીમાં મેઘરાજાએ તાંડવ રચતા ખેતરોના પાળા તોડી પાણી સીધા ત્રાટક્યા હતા. જ્યારે ખંભાળિયામાં 2 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદથી માર્ગો જાણે નદીઓ હોય તેવા દ્ર્શ્યો સજયા હતાં જેમાં બાળકો અને લોકોએ ન્હાવાનો આનંદ લીધો હતો.વધુમાં ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ જીવીજે હાઈસ્કૂલ નજીક વૃક્ષ પડતા રસ્તા પર વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી.ફાયરનાં જવાનોએ સ્થળ પર પહોંચી રસ્તા પરથી સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર પૂર્વત કરાવ્યો હતો.