- જામજોધપુરના વિરપર ગામે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું
- સાળાના હાથે બનેવીની હત્યા
- માથાકૂટમાં અન્ય ચારને ઇજા પહોંચતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા
હાલાર: જામજોધપુર તાલુકાના વિરપર ગામે ગઢવી સમાજના માતાજીના મંદિરે જાતર પ્રસંગમાં બે પક્ષે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું હતું. જેમાં અગાઉના મનદુ:ખનો ખાર રાખી સાળા અને સસરાએ છરીના ઘા ઝીંકી, બોલેરોથી ઠોકર મારી બનેવીનું ઢીમ ઢાળી દીધું હતું. જેને પગલે સનસનાટી મચી ગઇ છે. જ્યારે સામસામા હુમલામાં સામા પક્ષે પણ અન્ય વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યારે હત્યા મામલે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ચકચારી બનાવની શેઠવડાળા પોલીસ મથકે જામજોધપુર તાલુકાના માલવડાનેશમાં રહેતાં પાલાભાઇ સાજણભાઇ ટાપરિયા નામના 60 વર્ષિય આધેડે જૂનાગઢ પંથકના લાલપરમાં રહેતાં આરોપી નાથાભાઇ માંડણભાઇ વિરમ, પુનાભાઇ માંડણભાઇ વિરમ, રાજુભાઇ ઉર્ફે રાજો માંડણભાઇ વિરમ અને માંડણભાઇ આલાભાઇ વિરમ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર પાલાભાઇ સાજણભાઇ ટાપરિયાના પુત્ર વિરાભાઇના લગ્ન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપર ગામે રહેતાં માંડણભાઇ આલાભાઇની દિકરી સાથે થયા હતાં પરંતુ કોઇપણ કારણોસર માંડણભાઇની દિકરી છેલ્લા બે વર્ષથી રિસામણે હતી જેથી બન્ને પક્ષે મનદુ:ખ ચાલતું હતું. દરમિયાન વિરપર ગામે આવેલ જાણધરી માતાજીના મંદિરે જાતરના પ્રસંગમાં બન્ને પક્ષના લોકો અહીં ભેગા થયા હતાં.
જ્યાં પાલાભાઇના દિકરા વિરાભાઇએ રિસામણે રહેલ પોતાની પત્નીને સાસરે મોકલવાની વાત કરતાં સામા પક્ષના આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને આરોપીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં પુના માંડણે છાતીના ભાગે છરીના ઝીંકયો હતો તથા રાજુ માંડણે ફિલ્મી ઢબે બોલેરોની ઠોકર મારી હતી જ્યારે નાથા માંડણે છરીથી માથાના ભાગે ઘા ઝીંકી વિરભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત માંડણ આલાએ આડેધડ ઢીકાપાટુના ઘા મારી વિરાભાઇ ટાપરિયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉપરાંત માંડણ સામતને તથા વિજસુર સહિતનાઓને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સામા પક્ષે માંડણ આલા વિરમે શેઠવડાળા પોલીસમાં પાલાભાઇ સાજણભાઇ ટાપરિયા, વીજસુર પાલા ટાપરિયા, માંડણભાઇ સામતભાઇ ટાપરિયા, જીવાભાઇ સામતભાઇ ટાપરિયા સામે ફરિયાદ નોંધી જણાવ્યું છે કે, તેમની દિકરીના લગ્ન પાલા સાજણ ટાપરિયાના દિકરા વિરા સાથે થયા હતાં અને દિકરી બે વર્ષથી રિસામણે હતી. આ દરમિયાન દિકરીને તેડી જવાની વિરા પાલાએ વાત કરી હતી જેથી દિકરીને દુ:ખત્રાસને લઇ ન મોકલવાની વાત કરતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને મામલો બિચકાયો હતો. જેમાં પુના માંડણને સમાત ટાપરિયાએ કમરના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો અને પાલા સાજણ, વીજસુર પાલા તથા જીવા સામતે લાકડીઓના આડેધડ ઘા ઝીંકી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે સામસામી ફરિયાદ નોંધી શેઠવડાળા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકરણની પીએસઆઇ વી.એન.ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.