સ્પોર્ટ્સ: આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હૉફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી.
બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેને 16માં રાઉન્ડમાં પ્રવશે કર્યો. પીવી સિન્ધુએ ક્રિસ્ટિન કુબાને માત્ર 34 મિનિટમાં 21-5, 21-10થી હરાવી હતી.બેડમિન્ટન પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને જોનાથન ક્રિસ્ટીને 21-18,21-12થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો છે.
શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલે 590 અંકો સાથે 7માં સ્થાને રહીને પુરુષોની 50 મીટર, રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાંની ફાઇનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. જોકે આ જ સ્પર્ધામાં ઐશ્વરી પ્રતાપ ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. અશ્વારોહણમાં ભારતના અનુષ અગ્રવાલાએ ગ્રુપ Eમાં 66.444 અંક સાથે 9મું સ્થાન મેળવ્યું હતું. તો ટેબલ ટેનિસમાં, શ્રીજા અકુલાએ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો હતો.
અકુલા સિંગાપોર પેડલર સામે પ્રથમ ગેમ 11-9થી હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદની ત્રણ ગેમ 12-10થી જીતીને મજબૂત વાપસી કરી હતી. દરમિયાન, મહિલા 54 કિલોગ્રામ વજન શ્રેણીના રાઉન્ડ ઓફ 16 બોક્સિંગ મેચમાં, પ્રીતિ પવાર કોલંબિયાની ખેલાડી સામે હારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શૂટિંગમાં ભારતે અત્યાર સુધીમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.