જામનગરમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આવારા તત્વો બેફામ બની પોલીસના સહેજ પણ ડર વગર કૃત્યને આડેઘડ અંજામ આપી રહ્યાં છે. આથી ક્રાઈમના દૂષણને પોલીસ જ પોષણ આપતી હોય તેવો લોકોમાં ગણગણાટ ઉપડયો છે. ખાસ કરીને જમની-મકાન પચાવી પાડતા લેભાગુ તત્વો બેફામ બન્યા છે. જેના બોલતા પુરાવારૂપ વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ જામનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના મકાનમાં પણ કુખ્યાત શખ્સે કબ્જો જમાવી લઈ પૈસાની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આરોપીની આ હિંમતને જોઈ સામાન્ય માણસમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે પગલાં લેવાની દિશામાં કાર્યવાહી આદરી છે.
આ ચકચારી ફરિયાદની સિટી બી ડિવિઝન ચોપડે નોંધાયેલ વિગત એવી છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ પાછળના ઈશ્વરકૃપા, તેજ પ્રકાશ સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાના નિવૃત્ત ડીવાયએસપીના શાંતિનગર શેરી નં.૩માં આવેલ મકાનને તે જ વિસ્તારમાં રહેતાં માથાભારે શખ્સ ઋષિરાજસિંહ તખુભા જાડેજાએ હડપ કરી જવાના ઇરાદે કબ્જો જમાવી લીધો હતો. વોર્ડ નં.૧૨, સીટ નં. ૫૮, સિટી સર્વે નં.૬૦/૬૪, ક્ષેત્રફળ ૧૮૫.૨૯ નંબરના ગીતાનિવાસ નામનું મકાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના માતાએ ખરીદી કર્યું હતું. ત્યારબાદ આ મકાન ધર્મેન્દ્રસિંહને વારસાઈમાં મળ્યું હતું.
આ મકાન પર મેલોડોળો જમાવી ઋષિરાજસિંહ તખુભા જાડેજા નામના પટેલ કોલોનીમાં રહેતાં શખ્સે કબ્જો કરી લીધો હતો પચાવી પાડવાના ઇરાદે ઋષિરાજસિંહ મકાન ખાલી ન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં ધર્મેન્દ્રસિંહે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધયક ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હાલ આ પ્રકરણની જામનગર શહેરના ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યાં છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી ઋષિરાજ જાડેજા અગાઉ પણ રાક્ષસી વ્યાજ વસુલવા ઉપરાંત દારૂ સહિતના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને જામનગરની કુખ્યાત ગેંગ સાથે ઘરોબો ધરાવતો હોય તેવું જાણવા મળી રહ્યું છે.