- પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા કાર ચાલકે 10 વર્ષની બાળકીને ઠોકરે લીધી
- ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું
હાલાર: કલ્યાણપુર પંથકમાં રહેતા એક શ્રમિક પરિવારની દસ વર્ષની પુત્રીને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ આખો મામલો હાલ હિટ એન્ડ રનમાં પરિણમ્યો છે. કારણ કે, વહાનચાલક આ અકસ્માત સર્જી અને ઠેકાણેથી નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે.
શું આ છે સમગ્ર મામલો?
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વનોરપુરા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા રોશનભાઈ આસુલાલ ભીલ નામના 37 વર્ષના યુવાનની 10 વર્ષની પુત્રી પૂનમ ગઈકાલે શુક્રવારે બપોરના સમયે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પરથી દૂધ લઈને પરત આવી રહી હતી.

અહીં રોડ ક્રોસ કરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે પૂનમને ઠોકરે લીધી હતી. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

પાલિસે કરેલી કામગીરીની જાણકારી!
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક પૂનમબેનના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.