- હાડાટોડા ગામે હત્યાનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો
- બાળકીને જનેતાએ જ કુવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી
હાલાર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે બાળકીની હત્યાનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 મહિનાની બાળકીનું અપહરણ થયા અંગેનો કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બાળકીને જનેતા એ જ કુવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. જેની વધુ વિગતમાં સામે આવ્યું કે બાળકીને જન્મથી જ શ્વાસની તકલીફ હોય અને રાત્રિના સમયે રડતી હતી જે હેરાન કરતી હોવાથી માતાએ જ કઠણ કાળજે બાળકીને કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હતી. હાલ આ પ્રકરણ ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ અંગે ધ્રોલ પોલીસેથી જાણવા મળતી વિગત અનુસાર કાળુભાઈ સવજીભાઈ આદીવાસી નામના (ઉ.વ. ૩૩) નામનો મૂળ અલીરાયપર જિલ્લાનો વતની યુવાન ધ્રોલના હાડાતોડા ગામે આવેલ વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહી ખેતમજૂરી કરતા હતા.જે પોતાની પત્ની સંગીતાબેન, નાના ભાઈ સહિતના પરિજનો સાથે રહીને ખેત મજૂરી કરતા હતા. જેને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. જેમાં તેની નાની દિકરી ખુશીનો જન્મ જામનગર જી.જી.હોસ્પીટલમાં થયો હતો અને જન્મ થયેલ તે વખતે ખુશીને શ્વાસ લેવામાં તકલીફ હતી. જેથી તેને સવા મહીના જેટલો સમય આઇ. સી.યુ.માં રાખેલ હતી. આ દીકરીનું અપહરણ થયા અંગેની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ગઇ તા.૩૧ ના રોજ સાંજે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કાળુભાઈ ની નાની દીકરી જોવા ન મળતા કાળુભાઈએ તેમની પત્નીને જાણ કરી હતી. ત્યારે તેઓની પત્નીએ કહ્યું કે હું તમને ટીફીન આપીને ઓરડીએ આવેલ ત્યાર બાદ હું તથા પ્રેમ તથા અંકીત તથા ખુશી અહી સુઇ ગયેલ હતા, અ ને ખુશીને મારી બાજુમાં જ સુવડાવેલ હતી, આમ મારી પત્નીએ મને વાત કરી હતી. બાદમાં કાળુંભાઈએ તેમના ભાઇ શંભુને ઓરડીએ બોલાવ્યો હતો અને દિકરી ખુશીની તપાસ હાથ ધરી હતી. આજુબાજુમાં તપાસ કરતા આ દિકરી ખુશી ક્યાંય મળી ન હતી. આથી ધ્રોલ પોલીસમાં અપરણ થયા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી રહી હતી.
બાળકીને કૂવામાં નાખી દીધી હોવાની શંકા ના આધારે પોલીસે ફરિયાદીની હાજરીમાં કૂવો ખાલી કરાવ્યો હતો અને આ દરમિયાન કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતક દિકરીની માતાની માતા પર શંકાના આધારે આકરી ઢબે પૂછપરછ કરતા આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે મારાથી મોટી ભુલ થઇ ગયેલ છે. આ દીકરી ખુશી જન્મ થયો ત્યારથી શ્વાસની તકલીફ હોય અને રાત્રીના પણ રડતી હતી. જે સુવા દેતી ન હોય અને હેરાન કરતી હોય જેથી મે ગઇકાલ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ મારા હાથે ખુશીને કુવામાં નાખી દીધેલ હતી. બાદમાં તમારી તથા પોલીસની બીક લાગવાથી મે આપણી દીકરી ખુશીનુ કોઈ અપહરણ કરી ગયેલ હોવાની ખોટી વાત ઉપજાવી કાઢી હતી. બાદમાં પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.