જીવનશૈલી: ચોમાસાની ઋતુને લઈને સમગ્ર પંથકની હરિયાળી શોળે કળાએ ખીલતી હોય છે. ત્યારે જામનગર પણ એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો હોવાથી કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે. જેને લઈને જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગતાં હોય છે. હાલ વરસાદી વાતાવરણ વચ્ચે લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામનો ધોધ જીવંત બન્યો છે.
જામનગરથી માત્ર 35 કિલોમીટર દૂર આવેલા ધોધનું નામ ખડ ખંભાળિયાનો ધોધ છે. જે અન્ય ધોધની જેમ આ ધોધ મોટો નથી પરંતુ આ ધોધ ખૂબ જ સુંદર છે. આથી આ ધોધનો આનંદ માણવા લોકો દૂર દૂરથી આવતા હોય છે.
આ ધોધને જોવા માટે રજાઓના દિવસોમાં લોકો ભીડ લગાવે છે. માત્ર ચોમાસામાં જ જોવા મળતો લાલપુર તાલુકાનો ખડ ખંભાળિયાનો ધોધ એકદમ કુદરતી છે. હાલ જામનગર જિલ્લામાં લાલપુર ઉપરાંત કાલાવડ જામજોધપુર સહિતના પંથકમાં વરસાદ મેઘમહેર વરસાવી રહ્યો હોવાથી આ ધોધ જીવંત બન્યો છે.
જોકે હજુ આ ધોધ સોળે કળાએ ખીલ્યો નથી પરંતુ જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે. તેમ નદીમાં પુર આવ્યા બાદ આ ધોધ જોવા અને નહાવાની મોજ માણવા લોકોની ભીડ જામશે.
હાલ શ્રાવણ મહિના ઉપરાંત જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ રજાઓ અને તહેવારોના સમયગાળા દરમિયાન અહીં ખૂબ લોકોને ભીડ ઉમટી પડશે. પ્રવાસીઓની ભારે ભીડ જામશે.અહીં ચોમાસામાં નાગમતી નદી જ્યારે હિલોળા લેતી અહીંથી પસાર થાય છે ત્યારે ધોધનો સ્વરૂપ ધારણ કરે છે.