હાલાર: પોલીસ ભરતીને લઈ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા પર સીધી ભરતી કરી ખાલી જગ્યા ભરવામાં આવશે.
ગુજરાત પોલીસ આલમમાં જોડાવાના સપના સેવતા યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, હાલમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.
129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી. પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકિનિક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.