- ભાણવડની શિવકૃપા સ્કૂલમાં દીકરીના મોતનો મામલો
- 15 થી 20 દિવસ બાદ પણ ન્યાય માટે દર દર ભટકતા વાલીઓ
- પોલીસ દ્વારા સીટની કરાઈ રચના
હાલાર: 13 એપ્રિલનો એ કાળો દિવસ જ્યારે ભાણવડ ખાતે આવેલ શિવકૃપા સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીએ પંખે લટકી જીવતરનો અંત આણી લીધો હતો. આ દીકરીના આપઘાતની પરિવારને ક્યારેય ન ભુલાય તેવો કારમો ઘા લાગ્યો છે. બીજી બાજુ હોસ્ટેલ પર પણ લોકોની શંકાની સોય તણાઇ રહી છે. આ ગંભીર ઘટનાનો મામલો પોલીસ સુધી પહોંચતાની સાથે જ પોલીસ ઊંડી તપાસ આદરી છે અને ઉચ્ચ અધિકારીઓની સુચનાને પગલે આ કેસમાં સીટની રચના કરવામાં આવી છે. એટલે કે હવે દીકરીના મોતના પાપમાં સંડોવાયેલાઓનું દુધનું દુધ અને પાણીનું પાણી થશે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત જો આપઘાત પાછળ કોઈ પણ શખ્સની સંડોવણી સામે આવશે તો તેને છોડવામાં નહિ આવે!
ધો.9 માં અભ્યાસ કરતી સેજલબેન રૂડાભાઈ કોડિયાતર નામની દિકરીએ ગત તા.13 નાં રોજ વહેલી સવારે હોસ્ટેલમાં પંખામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ ભાણવડની શિવ કૃપા શાળાના સંચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો. ભીંસમાં મુકાયેલા શિવ કૃપા શાળાના સંચાલકોએ વાલીને જાણ કર્યા વગર જ તાત્કાલિક વિદ્યાર્થીનિને પંખેથી ઉતારી સારવાર અર્થે ખસેડી હતી. જોકે કોઈપણ વિદ્યાર્થીની આવું પગલું ભરે તો સૌપ્રથમ વાલીને અને ત્યારબાદ પોલીસને જાણ કરવાની થતી હોય છે પરંતુ શાળાના સંચાલકોએ આ કર્યું ન હતું.
ત્યારબાદ શાળાના સંચાલકો દ્વારા વાલીને જાણ કરવામાં આવી હતી. બાદમાં વાલીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. જ્યાં હોસ્પિટલે ફરજ પરના તબીબે દીકરીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આથી વાલીઓએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. અને ન્યાયની માંગ કરી હતી. સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર કરાયો હતો. જો કે આ ઘટનાને 15 થી 20 દિવસ વીતવા છતાં હજુ સુધી પિતાને ન્યાય મળ્યો નથી બીજી બાજુ આ અંગે શાળાના સંચાલકો પણ મૌન સેવીને બેઠા છે.
વાલીઓએ સંચાલકો પર સીધી આંગળી ચીંધી ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા કે સ્યુસાઈટ નોટ સેજલબેનના લટકતા દેહને નીચે ઉતારતી વખતે સ્કુલ સંચાલકે કાઢી પોતાની પાસે રાખી લીધેલ અને કેટલાક સમય પછી પોલીસને સોંપેલ જેમાં માત્ર તેમના મૃત્યુ પછી કેટલીક વિધિઓ કરવા સિવાય બીજી કોઈ વિગત ન હતી.જો કે આ સ્યુસાઈટ નોટનું પેજ ફાટેલું હોઈ વાલીઓ અને ઉપસ્થિત રબારી સમાજના લોકોએ શંકા વ્યક્ત કરી હતી.
હવે આ બનાવની તટસ્થ તપાસ કરવા સીટની રચના કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા સાયબર ક્રાઈમ પીઆઈ બ્રહ્મભટ અને પીએસઆઈ નોયડા તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે દુપટો, સુસાઇટ નોટ, નોટ બુક કબ્જે કરી એફએસએલની મદદ મેળવી તપાસ ચાલી રહી છે. ઘટના બાદ સંચાલકોને એક દિકરી ગુમાવ્યાનો જાણે સહેજ પણ વસવસો ન હોય તેમ બિનદાસ જોવા મળી રહ્યા છે.