હાલાર: દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. ત્યારે વધુ એક ખેડૂતની હત્યાથી ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દેવભૂમિ દ્વારકાના લાડવા ગામે ખેતરમાં રખોપુ કરી રહેલા ખેડૂતને કોઈએ નિર્મમ હત્યા નીપજાવતા પંથકમાં શોકની લાગણી પ્રવર્તિ છે. પોતાની વાડીએ ખાટલા પર સૂતેલા ખેડૂત પર આડેધર હથિયારના ઘા જીકી હત્યાં નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. છેક સવારે સમગ્ર બાબતની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રુવાટા ઉભા કરી દે એવી ઘટના
ઘટનાની વિગત એવી છે કે દ્વારકા પંથકના લાડવા ગામની સીમમાં ખેતરે રખોપુ કરતા 60 વર્ષીય મોહનભાઇ ભીમાભાઇ સોનગરા શુક્રવારે સવારે ખાટલા પર લોહીલુહાણ હાલતમાં મૃત:પ્રાય હાલતમાં મળી આવ્યા હતા. ગુરૂવારે રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ પદાર્થ વડે માથાના ભાગે જોરદાર જીવલેણ ઘા ઝીંકતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ સામે આવ્યુ હતુ.
આ બનાવની મૃતકના પરીજનો દ્વારા જાણ કરવામાં આવતા પીઆઇ ટી. સી. પટેલ સહિતની પોલીસ ટુકડી તુરંત ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.મોડી રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલ મામલે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. વૃધ્ધ પર કયાં કારણોસર જીવલેણ હુમલો કરાયો? સહિતની બાબતનો તાગ મેળવવા માટે પોલીસે હત્યારાને સકંજામાં લેવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિમાં હત્યાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે
મૃતકનાં બે પુત્રો,ખેતીકામ કરતા હોવાનુ ખુલ્યું
લાડવા ગામની સીમમાં ખેતરે જ હત્યાનો ભોગ બનેલા મૃતક વૃધ્ધને બે પરીણીત પુત્રો હોવાનુ સામે આવ્યુ છે.જયારે લાડવા ગામની સીમમાં જ તેઓ ખેતીકામ સાથે સંકળાયેલા હોવાનુ જાણવા મળ્યુ છે.