હાલાર: જામનગરમાં નવરાત્રીના છેલ્લા દિવસે રાત્રે આધેડની લોથ ઢળતા પંથકમાં સનસનાટી મચી ગઇ છે. જામનગરમાં શંકટ ટેકરી વિસ્તારમાં મહાજન અગ્રણી પર છરી વડે હુમલો કરી પરલોક પહોંચાડી દેવાતા હાહાકાર મચી ગયો છે. હત્યાના આ વારદાત પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપી સામે ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
આ રક્તરંજીત ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રહેતા મનસુખલાલ ખીમજીભાઇ ખીમસિયા નામના 65 વર્ષીય ઉદ્યોગપતિની લોથ ઢળતા ખળભળાટ મચી ગયો છે. ઓસવાળ જૈન સમાજના સેવાભાવી મનુ મેટ્રો તરીકે જાણીતા મોક્ષ ફાઉન્ડેશનના સભ્ય મનસુખલાલ ગઈકાલે રાતના સમયગાળા દરમિયાન શંકર ટેકરી વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ વેળાએ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની પર છરી વડે હુમલો કર્યો હતો. એક શખ્સ દ્વારા તેના છાતી ગરદન તેમજ શરીરના અન્ય ભાગોમાં છ જેટલા ઘા ઝીંકી દેતાં તેઓ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા, અને સૌ પ્રથમ સ્થાનિક વિસ્તારમાં રહેતા ભરતસિંહ જાડેજા નામના વ્યક્તિ તથા અન્ય લોકોએ મળીને ઇજાગ્રસ્ત મહાજન અગ્રણીને સૌપ્રથમ ઓશવાળ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પરંતુ ત્યાં તેઓનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યા માં પલટયો હતો.
આ અંગે આજુબાજુના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરી તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ઓસવાડ જૈન સમાજના કાર્યકરો આગેવાનો ઉપરાંત મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો સહિતના આગેવાનો જીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત સીટી સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલિક બનાવ સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
હત્યા મામલે મૃતકના પુત્ર મહાવીરભાઈ મનસુખલાલ દ્વારા આરોપી મિતરાજસિંહ ભગીરથ સિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જાહેર કરાયેલ વિગત અનુસાર સેવાભાવી આધેડ મનસુખલાલે 30 વર્ષ પહેલા શંકર ટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં ખોડીયાર માતાનું મંદિર બંધાવી આપ્યું હતું, એ દરરોજ દર્શન કરવા જતા હતા. જ્યા એક મહિલા સાથે તેમને અનૈતિક સંબંધ હોય તેઓ વહેમ રાખી આરોપી મિતરાજસિંહ ભગીરથ સિંહ જાડેજાએ છરી વડે મનસુખલાલ ની હત્યા નીપજાવી હોવાનું જાહેર કર્યું હતું.
હત્યાની જાણ થતાની સાથે જ જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા સહિતનો પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. મહાવીર ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેમને દબોચી લેવા કાર્યવાહી હાજરી હતી જેના ભાગરૂપે હાલ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાહેર થયું છે જોકે આ મામલે હજુ કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી.