હાલાર: જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના તાજી છે. ત્યાં વધુ એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી સાથે જ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. જામનગર-કાલાવડ હાઈ વે પર વિજરખી નજીક કારની ઠોકર મારી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા 30 વર્ષીય યુવાનની હત્યા મામલે બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ આરોપીઓ પોલીસ હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જામનગરમાં યુવાનની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને પામવા તેના પતિની કારની ઠોકરે હત્યા કરાઈ છે. મૂળ જામનગર જિલ્લાના કાલાવડના અને હાલ આશીર્વાદ એવેન્યુ-૦૧, બહુચરક્રુપા, રણજીત-સાગર રોડ, જામનગર ખાતે છેલ્લા આઠ વર્ષથી રહેતા રવી મારકણા નામના 30 વર્ષીય યુવાનની પત્ની રિન્કલને અગાઉ તેના ઘરની સામે જ રહેતા આરોપી અક્ષય છગનભાઇ ડાંગરીયા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધને પરિણામે રવિ અને રીંકલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડાનો ખારા રાખી અને બંનેએ પતિને પતાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
આ દરમિયાન ગઈકાલે પોણા પાંચેક વાગ્યાના સમયગાળામાં રવિ ધીરજલાલ મારકણા નામનો યુવાન પોતાનું બુલેટ મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે 27 ડીજે 9310 લઈ જામનગર થી કાલાવડ ગયો હતો. બીજી તરફ અગાઉથી જ તૈયારી સાથે મોતનો ખેલ કરવા તૈયાર રહેલા આરોપી અક્ષય તેની ફોરવીલ સાથે આગોતરા આયોજનમાં હતો. આરોપીએ રવીની બાઈકનો પિછો કર્યો હતો.
સાંજે રવિ પોતાનુ બુલેટ લઇ કાલાવડથી જામનગર ઘરે જતો હતો આ વેળાએ વીજરખી ડેમ નજીક આવેલ મોગલ માતાજીના મંદિર પાસે આરોપી અક્ષયે તેની જીપકમ્પાસથી અક્સ્માત કર્યો હતો. રવિની બુલેટને પાછળથી ફૂટબોલ કરી રવિને કચડી નાખ્યો હતો. નોંધનીય છે કે આજથી આશરે છએક મહીના પહેલા રવિએ બુલેટ મોટર સાઇકલ લીધી હતી. જે બુલેટ મોટર સાઇકલ ઘરે પોતાના પિતાને બતાવવા અને માતાજીના દર્શન કરવા માટે ગઇકાલ તા.૦૬/૦૪/૨૦૨૫ ના સવારના સાડા દશેક વાગ્યે કાલાવડ ગ્યો હતો. જ્યારે તેની પત્ની ઘરે જ રોકાયેલ હતી. રવિ પોતાના કુળદેવીના દર્શન કરી ગામડે જમીને બપોરના ચારેક વાગ્યે જામનગર આવવા માટે રવાના થયો હતો. દોઢ કલાક જેટલો સમયગાળો થઇ ગયો હોવા છતાં રવિ ઘરે ન પહોંચતા રવિના માતા પિતા જામનગર દીકરાના ઘરે ગયા હતા. જ્યાં રવિની પત્નીને રવી બાબતે પૂછતા રવિની પત્ની રિંકલે કહ્યું કે મારે અક્ષય સાથે સંબંધ હોય જેને લઇને ઝઘડા થતા હોવાથી મેં અક્ષયને ફોન કરીને જણાવેલ કે, રવિ ઘરેથી બુલેટ લઈને નીકળેલ છે.
આજે મોકો છે કામ પતાવી નાખ તેમ કહેતા અક્ષયએ કહેલ કે, હું મારી ફોરવ્હીલ લઇને કાલાવડ જાવ છુ પછી તને ફોન કરુ તેમ કહી તે તેની જીપકમ્પાસ કાર નંબર GJ-20-AQ-8262 ની લઈને રવિની પાછળ પાછળ કાલાવડ ગયેલ અને ત્યારબાદ બપોરના અક્ષયનો ફોન આવેલ અને કહેલ કે, હું કાલાવડની બહાર રવિની રાહ જોઈને ઉભો છુ રવિ હજી સુધી નીકળેલ નથી તેમ વાત કરેલ ત્યાર બાદ સાંજના પોણા પાંચેક વાગ્યે મને અક્ષયનો ફોન આવેલ અને વાત કરેલ કે, કાલાવડ-જામનગર રોડ પર મોગલ માતાજીનુ મંદીર આવેલ છે ત્યાં રોડ પર મેં મારી ફોરવ્હીલ કારથી રવિના બુલેટને પાછળથી ઠોકર મારી દીધેલ છે અને રવિને કાનમાંથી અને માથામાંથી લોહી નીકળી ગયેલ છે લગભગ મરી ગયેલ છે. બાદમાં ધીરજલાલના જમાઇ પ્રશાંતભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે, રવિનુ એકસીડન્ટ થયેલ છે.
બીજી બાજુ રોડ પરથી પસાર થતા લોકોને અકસ્માત મામલે જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ અને 108 નો સંપર્ક કર્યો હતો. જેને લઇને પોલીસ કાફ્લો પણ દોડી ગયો હતો પ્રથમ અકસ્માત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવતા પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી પતિને પતાવી દેવા ખેલ રચ્યો હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. ત્યારબાદ કાલાવડના કૃષ્ણનગર એક વિસ્તારમાં રહેતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઈ મારકણા નામના મૃતક યુવાનના પિતાએ પંચકોસી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી અક્ષય છગનલાલ ડાંગરિયા અને રિંકલ રવિ મારકણા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં સંડાવાયેલ મહિલા સહિત બંને આરોપીઓ હાલ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકરણની હાલ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના એમ એન શેખ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મહત્વનું છે કે રવિના લગ્ન 2017 ની સાલમાં થયા હતા અને રવિને સંતાનમાં જીયાન નામનો દોઢ વર્ષનો એક દીકરો છે. આજથી આશરે બે વર્ષ રવિએ તેના પિતા ધીરજલાલ ને જણાવ્યું હતું કે મારી પત્ની રીન્કલને ઘરની સામે રહેતા અક્ષય છગનભાઈ ડાંગરીયા સાથે પ્રેમ સંબંધ થઇ ગયેલ છે. મે તેને હાલ સમજાવેલ છે અને તમે પણ જામનગર આવો ત્યારે તેને આ બાબતે સમજાવજો નહિતર સમાજમાં આપણી આબરૂ જાશે. ત્યારબાદ રવિના માતાપિતા જામનગર આવ્યા હતા અને પત્ની રીંન્કલને આ અક્ષય સાથે સંબંધ નહી રાખવા બાબતે સમજાવેલ હતી. જોકે આ વાત ન ગણકારી રીંકલે પોતાના પ્રેમી સાથે સંબંધ અકબંધ રાખ્યો હતો.