હાલાર: ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓએ કાળો કહેર વર્તાવ્યો છે. ભેજાબાજ શખ્સો નિતનવા પેતરા રચીને સાયબર ક્રાઈમની ઘટનનાઓને અંજામ આપી રહ્યા છે. તેમાં પણ શિક્ષિત લોકો વધુ ભોગ બની રહ્યા છે આવી જે ઘટના જામનગરમાં સામે આવી છે. આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી જામનગરમા પ્રાઇવેટ નોકરી કરતા આધેડને નિશાન બનાવ્યા હતાં. જેને આજીવન કેદનો ડર બતાવી ધમકાવી 13,00,000 ની રકમ બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે મોટી ખાવડી રીલાયન્સ ટાઉન શીપ જામનગરમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મેહુલભાઇ રમાકાંતભાઇ પંજી (ઉવ ૫૫ મુળ રહે મહાલક્ષ્મિ સોસાયટી સોના હોટેલની બાજુમા, સુરત) ને ગૈારબ મંગલ નામના શખ્સનો ફોન આવ્યો હતો.
જેમાં આરોપીઓએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ સેન્ટર બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયા અને મુંબઈ ક્રાઈમ બ્રાંચનો બનાવટી લેટર વોટ્સએપમાં મોકલી મેહુલભાઇ ને ધમકાવ્યા હતા. ફોનમાં આરોપીએ મેહુલભાઇ ને એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ધરપકડ થવાની અને આજીવન કેદનો ડર બતાવ્યો હતો. ત્યારબાદ ધમકાવી એન.ડી.પી.એસના કેસમાંથી નામ કઢાવવા પેટે રૂપીયા.૧૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. બાદમાં ગૈારબ મંગલ એ.યુ બેન્ક એકાઉન્ટ નંબર ૨૪૦૨૨૫૯૦૫૫૬૭૯૮૫૨ ખાતામાં બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
તારીખ 22/3/2024 ના રોજ થયેલ આ બનાવનો છેક ગઈકાલે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. હાલ મેહુલભાઈ ની ફરિયાદના આધારે ગૈારબ મંગલ એ.યુ બેન્ક એકાઉન્ટ નંબર ૨૪૦૨૨૫૯૦૫૫૬૭૯૮૫૨ ના ખાતા ધારક (૨) મો.નં +૯૧૮૨૫૯૮૫૪૨૧૭ ના વપરાશ કર્તા તથા તપાસમાં ખુલે તે તમામ સામે આઈ.પી.સી કલમ. ૩૮૮, ૪૨૦, ૪૮૪, ૧૭૦, ૧૨૦(બી) તથા IT એક્ટ કલમ.૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ કરી ત્પાંસા ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઇ.એ.ઘાસુરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.