હાલાર: હાલ જામનગર જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક તૈયાર હોવાથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી યાર્ડમાં જણાસોની આવક વધી રહી છે. બીજી બાજુ અમુક ખેડૂતો ખેતરમાંથી જ જણસોનો સોદો કરી નાખતા હોય છે. જેનો લાભ ઉઠાવવા અમુક લે-ભાગુ તત્વો પણ મેદાને ઉતરતાં હોય છે. આવો જ કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. હડમતિયામાં એક ખેડૂતે ગોંડલના વેપારી સાથે કપાસનો સોદો કરી છેતરાયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. દર વર્ષે કપાસની ખરીદી કરી લઈ જતાં ગોંડલના વેપારીએ આ વર્ષે ૫ણ ૬.૧૨ લાખની કિંમતનો કપાસ ખરીધો હતો અને બીજા દિવસે રૂપિયા આપવાનું કહ્યું હતું, પણ આજદિન સુધી રૂપિયા ન આપી વેપારીનો અતોપત્તો ન લાગતાં ખેડૂતને છેતરાયા હોવાનું ભાન થયું હતું. હાલ પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.
પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે જામનગર જિલ્લાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા (ઉ.વ.૩૫) નામના ખેડૂત યુવાનનું ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને ખેત જણસોની ખરીદી કરતા જીતેનભાઈ કલાલ નામના વેપારીએ ૬.૧૨ લાખ કરી નાંખ્યાનો આંખ ઉઘાડનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંજયભાઈએ આરોપી જીતેન સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ વગેરેની ખેતી કરે છે, અને પોતાના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાકનો જથ્થો મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેટલાક વર્ષોથી ગોંડલમાં રહેતા જીતેનભાઈ કલાલને વેચાણ કરતા હતા, અને પ્રતિવર્ષ તેમનું વેચાણ કરીને પૈસા મેળવી લેતા હતા. જેથી જીતેનભાઈ સાથે પરિચય થઈ ગયો હતો.
દરમિયાન ગત વર્ષે પોતાની વાડીમાં તૈયાર થયેલો ૪૦૭ મણ કપાસનો જથ્થો કે જેની કુલ કિંમત ૬, ૧૨,૫૩૫ થાય છે જે તમામ જથ્થો તેણે જીતેનભાઈને વેચ્યો હતો અને જીતેનભાઈ બીજા દિવસે પૈસાનું આંગડિયું કરીને મોકલાવી દેશે તેવું કહ્યું હતું. પરંતુ જીતેનભાઈએ બીજા દિવસે પૈસા આપ્યો ન હતા, ત્યારબાદ તેનો સંપર્ક કરતાં તેઓનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ગોંડલમાં પણ તપાસ કરતાં તેનો ક્યાંક અતોપત્તો લાગ્યો ન હતો.
લાંબો સમય સુધી તેની શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે વેપારી દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે જીતેન નામના વેપારી સામે આઇપીસી કલમ ૪૨૦ મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.