હાલાર: જામનગર જિલ્લાના કાલાવડમાં સસ્તા અનાજના જથ્થા અંગે ગાંધીનગર મદદનીશ નિયામકને મળેલી માહિતીના આધારે મદદનીશ નિયામકના અધિકારીની ટીમે મામલતદારને સાથે રાખી ત્રણ જગ્યાએ ચેકીંગ કરતાં ગેરકાયદેસર બાયોડીઝલ, સસ્તા અનાજનો ચણા, ચોખા અને ઘઉંના જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી સીઝ કરેલ હતો. આ કેસમાં સંડોવાયેલા સામે કાળા બજાર નિયંત્રણ ધારા હેઠળ ફરિયાદ સહિતની કાર્યવાહી અંગે ઉચ્ચકક્ષાએ અહેવાલ સુપ્રત હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાલાવડમાં તાલુકા પંચાયત કચેરી સામે આવેલા ગોડાઉન ઉપર દરોડો પાડી ગાંધીનગર મદદનીશ પુરવઠા નિયામકની ટીમ સાથે મામલતદારે ચેકીંગ કરતાં ૧૪ હજાર કિલો ચોખાનો જથ્થો, ૮૦૦ કિલો ઘઉં અને ૨૦૦ કિલો ચણાનો શંકાસ્પદ જથ્થો મળી કુલ રૂ.૫,૮૦,૦૦૦ નો જથ્થો પુરવઠા વિભાગે સિઝ કરેલ હતો.
આ ઉપરાંત ઝમઝમ પાર્કમાં એક ટ્રકમાં ચેકીંગ કરતાં ટ્રકમાંથી સસ્તા અનાજનો જથ્થો જોઈને અધિકારીઓની ટીમ ચોંકી ઉઠી હતી. અને ટ્રકમાંથી ૫૬૦૦ કિલો ચણા૧૬૦૦ કિલો તુવેરદાળના જથ્થા સાથે લાખનો મુદ્દામાલ સિઝ કરેલ હતો. આ માલ કાલાવડના ટ્રાન્સપોર્ટરનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તદ્ઉપરાંત જૂના માર્કેટીંગ યાર્ડ પાસે એક ટ્રક અને ટેનકરની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર ભરેલ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ મુદ્દામાલ પણ કબ્જે કરેલ હતો. આ કાર્યવાહી ગાંધીનગર મદદનીશ પુરવઠા નિયામકની કચેરીની ટીમ દ્વારા કાલાવડના મામલતદારને સાથે રાખીને કરવામાં આવી હતી. જવાબદાર સામે પીબીએમ સહિતની કાર્યવાહી સંદર્ભેનો અહેવાલ તૈયાર થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.