હાલાર: જામનગર તાલુકા ના દડીયા ગામમાં ઢોર બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતા અને સામસામા હથિયારો વડે હુમલા કરાતાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફ્લો દોડતો થયો છે.
શું છે આ સમગ્ર બનાવ?
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા રાહુલભાઈ સુભાષભાઈ નંદા તેમજ તેના પાડોશીઓ વચ્ચે ઢોર બાબતે તેમજ જૂના મનદુઃખ ના કારણે આજે સવારે ધીંગાણું થયું હતું અને બંને જૂથ વચ્ચે સામસામમાં હથિયારો વડે હુમલા કરાયા હતા જેમાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ તેમજ જુદા જુદા વાહનો મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને ભારે દોડધામ થઈ હતી.
આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને ઇજાગ્રસ્તો ના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.