હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં હત્યા અને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને આ બનાવની જાણ થતાં બનાવ સ્થળે દોડી જઇ મૃતદેહનો સંભાળી આજુબાજુના લોકોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી આગળ ધપાવી છે.
આ લોહિયાળ ઘટનાની પ્રાથમિક વિગત એવી છે કે ઓખા નજીકના સૂરજકરાડી રેલવે ફાટક બાજુમાં કોઈ કારણસર પત્ની ભાવનાબેનને હથિયારના ઘા ઝીંકી તેના પતિ વલયાભા માણેકે હત્યા નીપજાવી હતી. પત્નીને પરલોક પહોંચાડી આરોપી પતિએ પણ ગળેફાંસો ખાય જીવન લીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે. હસતા-રમતા પરિવારનો માળો ક્યા કારણસર વિંખાયો અને પતિ-પત્નીએ કયા કારણોસર આ પગલું ભરી લીધું તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન સામે આવ્યું નથી.
બીજી બાજુ સ્થાનિક પોલીસને જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી. મીઠાપુર પી.આઇ. તુષાર પટેલ સહિતના પોલીસ સ્ટાફે દોડી જઈ બન્નેના મૃતદેહનો કબજો સંભાળી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ સ્થાનિકોના નિવેદન નોંધી બનાવના ઊંડાણ સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે.