હાલાર: જામનગર જિલ્લામાં જળ પ્રકોપને પગલે છ માનવ જિંદગીનો ભોગ લેવાયો હોવાની સામે આવ્યું છે.જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના આધેડ ગત તારીખ 27/08/2024 ના રાત્રિના સમયે જીણાવારી ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસમાં નોંધ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે રહેતા પરબતભાઈ પાથર (ઉં.વર્ષ ૫૫) નામના વ્યકિત બે દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેનો મૃતદેહ આજે તા.૩૦ ઓગસ્ટના રોજ નદી કિનારા પાસેથી ઝાળીઓમાંથી મળી આવ્યો હતો.
પોલીસમાં જાહેર કરાયેલ વિગત અનુસાર પરબતભાઈ જીનાવાલી ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ વેળાએ પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેમનું મોત થયું છે. જે મામલે રોહિતભાઈ પરબતભાઈ પાથરે પોલીસમાં જાણ કરતા જામજોધપુર પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. આમ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ દરમિયાન છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.