હાલાર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડાંગરવાળા ગામે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખેડૂતની દોઢ વીઘા જમીન બાજુમાં જ ખેતર ધરવતા ખેડૂતે દબાવી લીધી હતી. ઉપરાંત ખેડૂત એક શખ્સ પાસેથી અઢી લાખ રૂપિયા માંગતા હતા. જે આરોપીએ રૂપિયા આપવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના પગલે ખેડૂત ખૂબ ચિંતામાં રહેતા હતા પરિણામે ખેડૂતે આપઘાત કરી લીધો હતો. ખેડૂત આધેડે અંતિમ પગલું ભરી લીધા પહેલા લખેલ સુસાઈડ નોટ હાથ લાગતાં પોલીસે નોટ કબજે કરી છે. જ્યારે ત્રણ શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.
આ મામલે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર હાલ રાજકોટ રહેતા (કાલાવડ તાલુકાના ડાંગરવાળા) ના જીતેન્દ્રભાઇ ઉર્ફ જીતુભાઇ જેઠાભાઇ વોરાએ પોતાના પિતાને આપઘાત કરવા મજબુર કરવા મામલે આરોપી પ્રવીણ તેજાભાઈ કાકડિયા, આરોપી નાથા ટપુભાઈ કાકડીયા અને મનસુખ અકબરી નામના ડાંગરવાડા ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવવા અનુસાર જીતેન્દ્રભાઈના પિતા જેઠાભાઈની ડાંગરવાડા ગામે આવેલ ૧૯ વીઘા જમીનની માપણી કરાવવામાં આવી હતી. આ દરમિયાન તેઓની જમીનની ૨૪ ગુંઠા જમીન બાજુના પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયા વાળાના ખેતરમા નીકળતી હતી. જેથી જેઠાભાઇએ આરોપી પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયાને ૨૪ ગુંઠા જમીનનો કબ્જો ખાલી કરવા અવાર-નવાર કહ્યું હતું. પરંતુ આ પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયાએ જમીનનો હડપ કરી જવાના ઇરાદે ખાલી કરતા ન હતા. અને આ પ્રવીણભાઇ કાકડીયાને તેના કોટુબીક ભાઇ આરોપી નાથા ટપુભાઇ કાકડીયા પણ આ બાબતે આરોપી પ્રવીણભાઇનો સાથ આપીને જેઠાભાઈને માનસીક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા.
બીજી તરફ આરોપી મનસુખભાઇ અકબરી પાસેથી જેઠાભાઈને અઠી લાખ રૂપીયા લેવા નીકળતા હતા. આ મનસુખ અકબરી પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્રણેય આરોપીઓએ માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા આખરે જેઠાભાઈએ માનસીક ત્રાસથી કંટાળી જઇને આપઘાત કરી પોતાનુ જીવન ટુંકાવી લીધી હતું. જેઠાભાઈએ રાજકોટથી પોતાની કાર લઇ ગામડે આવેલ વાડી વિસ્તારમાં કારમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે જેઠાભાઈએ બે પેજની એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં ત્રણેય શખ્સોએ આપેલ ત્રાસથી કંટાળી આપઘાત કરતા હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.