રાષ્ટ્રીય: ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં આજે સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખળી પડ્યા હોવાની પુષ્ટી રેલવે બૉર્ડ કરી છે. કાનપુર સ્ટેશન પાસે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સતર્કતા બ્યૂરો અને રેલવે અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જોકે, અત્યાર સુધી જાન-માલ કે નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ટ્રેનની અવરજવરને અસર થઈ છે. રેલવેએ પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની પણ વ્યવસ્થા કરી છે.
વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ રાત્રે ગોવિંદપુરી પાસે પહોંચતાં પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે, પોલીસ અને અગ્નિશમન દળના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, એન્જિન પથ્થર સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લા અધિકારી રાકેશ કુમારે જણાવ્યું, આ દુર્ઘટનામાં કેટલાક પ્રવાસીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, ગંભીર રીતે કોઈ ઈજાગ્રસ્ત નથી થયા.