હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેઢાખાઈ ગામે થયેલ યુવાનની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી. ત્યાં વધુ એક યુવાનની હત્યાથી જિલ્લાભરમાં હાહાકાર મચી ગયો છે. ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે અજાણ્યા શખ્સોએ યુવાનના શરીર પર પથ્થર બાંધી યુવાનને કુવામાં ફેંકી દીધો હતો. આ મામલો બહાર આવતા જિલ્લાભરમાં સનસનાટી મચી ગઈ છે બીજી બાજુ હત્યાની આ ઘટનાને પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ખંભાળિયાનાં ભાડથર ગામે યુવાનની લોથ ઢળી છે. રાજેશભાઈ નાથુભાઈ મંગેરા નામનો 42 વર્ષે યુવાન છેલ્લા 5 દિવસથી ગુમ હોવાથી તેમના પિતા દ્વારા આ મામલે પોલીસ મથકમાં જાણ પણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ આ યુવાનની શોધખોળ કરી રહી હતી આ વેળાએ ભાડથર ગામના વાડી વિસ્તારમાં કુવામાંથી ગત મોડી રાત્રે રાજેશભાઈ નાથુભાઈ મંગેરા નામના 42 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. યુવાનના હાથ પગ દોરી વડે બાંધેલી હાલતમાં અને શરીરે પથ્થર બાંધેલ જોવા મળતા પોલીસ અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શાખસોએ યુવાનના હાથ પગ બાંધી કુવામાં ફેંકી પરલોક પહોંચાડી દીધો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે જ dysp, sog, lcb સહિતનો પોલીસ કાફલો માર તે ઘોડે સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં મૃદેહને પીએમ અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો ત્યારબાદ પેનલ પીએમ માટે મૃતદેહને જામનગર હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનને કયા કારણસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે? અને આ પ્રકરણમાં સંડોવાયેલ કોણ કોણ છે? તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.