હાલાર: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ આજે વધુ એક વખત લોહિયાળ બન્યો છે. જેમાં વસઈ નજીક ચોકલેટના કારખાના પાસે બે બાઈક સામસામે અથડાયા બાદ એક યુવાનને કાળ આંબી જતાં પરિજનોમાં અરેરાટી મચી ગઇ છે. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.
વિગત અનુસાર જામખંભાળીયાથી જામનગર હાઈવે સુરેશભાઈ પુનાભાઈ મકવાણા (ઉ.વ.૩૩) પોતાનુ બાઈક જીજે ૧૦ ડીએસ ૨૪૫૧ લઇને પસાર થઈ રહ્યા હતા.તેઓ અર્જુનભાઈ વિનોદભાઈ સોમાણી (ઉ.વ.૩૫ ધંધો. ડ્રાઈવિંગ રહે. બેડ ગામ કોળી પાડો ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં તા.જી.જામનગર) ને મૂકવા માટે બેડ ગયા હતાં. બાદમાં સુરેશભાઈ મકવાણા પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ચોકલેટના કારખાના સામે પહોચતા આરોપી સાજીદ મામદ ભટ્ટી (રહે. ભરાણા ગામ) પોતાના કાળા કલરની નંબર પ્લેટ વગરની બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. જેને વાયુવેગે બાઈક ચલાવી સુરેશભાઈના બાઈક જીજે ૧૦ ડીએસ ૨૪૫૧ માં પાછળથી ઠોકર મારતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક ચાલક સુરેશભાઈ રોડ પર પટકાઈ પડ્યા હતા. જેને પગલે તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન યુવાનો મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.